રોડ પર ડ્રાયવર્જન અને માટીના પાળા હોવાના કારણે વાહનચાલકોએ મજબૂરીમાં રોંગ સાઈડમાં વાહનો ચલાવવા પડતા હોવાથી સર્જાતા અકસ્માત
નેશનલ હાઈ-વે ઓથોરીટીની ગંભીર બેદરકારી સામે આવી, લોકોમાં આક્રોશ
અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકામાં નેશનલ હાઈવે પર અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે જેમાં બાલાનીવાવ અને કાગવદર વચ્ચે આજે વધુ એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. એક બેફામ ગતિએ આવતી ટ્રકે બાઈકને જોરદાર ટક્કર મારતા બાઈક સવાર બે આશાસ્પદ યુવાનોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. આ દુર્ઘટનામાં મૃત્યુ પામનાર બંને વ્યક્તિઓ નાગેશ્રી ગામના રહેવાસી હતા જેમના નામ મનુભાઈ અરજણભાઈ સાખત (ઉંમર ૩૬) અને રમેશભાઈ જાદવભાઈ સાખત (ઉંમર ૪૧) હોવાનું સામે આવ્યું છે. આ બનાવથી સમગ્ર પંથકમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે અને સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ ફેલાયો છે.
આ અકસ્માત પાછળ નેશનલ હાઈવે ઓથોરિટીની ગંભીર બેદરકારી હોવાનું સ્થાનિકો દ્વારા જણાવવામાં આવ્યું છે કારણ કે છેલ્લા છ વર્ષથી અહીં બોક્સ કલ્વર્ટનું કામ અધૂરું પડ્યું છે. રોડ પર ડ્રાયવર્જન અને માટીના પાળા હોવાના કારણે વાહનચાલકોએ મજબૂરીમાં રોંગ સાઈડમાં વાહનો ચલાવવા પડે છે જેના કારણે સામસામે વાહનો અથડાવાની ઘટનાઓ વધતી જાય છે. અત્યાર સુધી આ માર્ગ પર અંદાજે ૧૫ થી ૨૦ જેટલા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હોવા છતાં તંત્ર ઘોર નિદ્રામાં હોય તેમ જણાય છે. કાગવદર, ભટવદર અને નાગેશ્રી સહિતના ગામોના સરપંચોએ હવે ચીમકી ઉચ્ચારી છે કે જો તાત્કાલિક ધોરણે આ હાઈવેનું કામ પૂર્ણ કરવામાં નહીં આવે તો રસ્તો રોકીને ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
હાઈ-વેનું કામ પુરૂ થશે તે પહેલા અનેક લોકો અકસ્માતમાં હોમાશે!!!
ભાવનગર-સોમનાથ નેશનલ હાઈ-વેનું કામ છેલ્લાં ઘણા સમયથી ચાલી રહ્યુ છે. હાઈ-વેનું કામ ઝડપથી પુરૂ કરવા માટે વારંવાર રજૂઆત કરવામાં આવે છે આમ છતાં હાઈવે ઓથોરીટીવાળા આ બાબતે કોઈ ગંભીરતા લેતા નથી. જયારથી હાઈવેનું કામ શરૂ કરવામાં આવ્યું છે ત્યારથી અકસ્માતનો સીલસીલો શરૂ થયો છે. હાઈ વે ઝડપી બનાવવા માટે અનેક ગામના સરપંચોએ રજૂઆત કરી છે આમ છતાં હાઈવે ઓથોરીટી દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નથી જેના લીધે હાઈ-વેનું કામ પુરૂ થાય તે પહેલા અનેક લોકો અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવશે તેવી ભીતિ સેવાઈ રહી છે.










































