બાબરા તાલુકાના વાકીયા ગામે આજે વિશ્વ મહિલા દિવસ નિમિત્તે એક ભવ્ય અને પ્રેરણાદાયી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રીજી એજ્યુકેશન સેવા ટ્રસ્ટ દ્વારા અને અરવિંદ મિલના વિશેષ આર્થિક સહયોગથી આયોજિત આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં મહિલાઓએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમની શરૂઆતમાં સંસ્થાના સંચાલક સંગીતાબેન દવેએ ટ્રસ્ટની વિવિધ પ્રવૃત્તિઓ અને સામાજિક કાર્યોનો વિગતવાર પરિચય આપ્યો હતો. તેમણે મહિલાઓને સંબોધતા મહિલા સશક્તિકરણ, જેન્ડર સમાનતા અને કાર્યસ્થળે કે સમાજમાં થતી જાતિ સતામણી જેવા ગંભીર મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક માર્ગદર્શન પૂરું પાડ્‌યું હતું. આ ઉપરાંત ગ્રામીણ મહિલાઓ આર્થિક રીતે આત્મનિર્ભર બને તેવા શુભ હેતુથી ખેતીની આધુનિક પદ્ધતિઓ, સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અને નાના પાયે શરૂ કરી શકાય તેવા માઈક્રો બિઝનેસ વિશે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.