બાબરા શહેરમાંથી પસાર થતા રાજકોટ-ભાવનગર હાઈવે પર આજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પૂરઝડપે આવતી એસ.ટી. બસના ચાલકે રોડ ક્રોસ કરી રહેલા એક વૃદ્ધાને અડફેટે લેતા તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. આ મામલે એસ.ટી. બસના ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ અંગે રણજીતભાઇ જેરામભાઇ ભખવાડિયા (ઉ.વ.૨૫) એસ.ટી.બસના ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેના દાદીમા લક્ષ્મીબેન ગોવિંદભાઈ ભખવાડિયા (ઉં.વ. ૭૦) ભાવનગર-રાજકોટ હાઈવે પર કમળશી સ્કૂલ પાસેના રસ્તેથી રોડ ક્રોસ કરી રહ્યા હતા. આ દરમિયાન રાજકોટ તરફથી પૂરઝડપે આવી રહેલી એસ.ટી. બસના ચાલકે ગફલતભરી રીતે બસ ચલાવી લક્ષ્મીબેનને જોરદાર ટક્કર મારી હતી. જેમાં તેમના દાદીનું સ્થળ પર જ મોત થયું હતું. બાબરા પોલીસ સ્ટેશનના પીએસઆઈ કે એસ ડાંગર વધુ તપાસ કરી રહ્યા છે.









































