બાબરાના પાનસડા ગામે થયેલી માથાકૂટમાં બંને પક્ષોએ સામસામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પ્રભાબેન બાબુભાઈ સોંધરવા (ઉ.વ. ૩૫)એ છગનભાઈ રવજીભાઈ વઘાસિયા સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેઓ છેલ્લા ૪૦ વર્ષથી જે જમીન ખેડતા હતા, તે જમીનમાં આરોપીએ ૬૬ કે.વી. પાવર સબ સ્ટેશન બનાવવાનો ઠરાવ કર્યો હતો. આ બાબતે તેમણે આરોપી પાસે રજૂઆત કરતાં આરોપીને સારું લાગ્યું નહોતું. જેથી આરોપીએ તેમને જાહેરમાં અપમાનિત કર્યા હતા, તેમજ પોતાની પાસે રહેલી દાતરડીથી બંને હાથે ત્રણ-ચાર ઘા મારી ઈજા પહોંચાડી હતી. આ ઉપરાંત આરોપીએ પહેરેલા બૂટથી તેમનો પગ દબાવીને પણ ઈજા કરી હતી. આ સમયે સાહેદ (સાક્ષી) તેમને છોડાવવા વચ્ચે પડતાં આરોપીએ તેમની સાથે ઝપાઝપી કરી હતી અને સાહેદના શર્ટના ખિસ્સામાં રહેલા રોકડા રૂ. ૧,૫૦૦/- બળજબરીથી કાઢી લીધા હતા.સામે પક્ષે, છગનભાઈ વલ્લભભાઈ વઘાસિયા (ઉ.વ. ૫૪)એ બાબુભાઈ વશરામભાઈ સોંધરવા તથા તેમના પત્ની સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ, તેઓ જે જમીન વાવતા હતા તેમાં ૬૬ કે.વી. પાવર હાઉસ બનતું હતું. આ પાવર હાઉસ તેઓ પોતે જ બનાવડાવી રહ્યા છે તેવું આરોપીઓને લાગતું હતું. જેનું મનદુઃખ રાખીને, જ્યારે છગનભાઈ મોટરસાયકલ લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે બંને આરોપીઓએ તેમને ઊભા રાખ્યા હતા. ત્યારબાદ તેમને ધક્કો મારી મોટરસાયકલ પરથી નીચે પછાડી દઈ કપાળના ભાગે ઈજા પહોંચાડી હતી. આ ઉપરાંત, તેમનો શર્ટ ફાડી નાખી ખિસ્સામાં રાખેલા રૂપિયા નવ હજારની લૂંટ ચલાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.