અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના કોટડાપીઠા ગામે લાંબા સમયથી પ્રજાજનોની મહત્વપૂર્ણ માંગ રહેલી આંતરિક માર્ગ સુવિધા માટે રાજ્ય સરકાર દ્વારા રૂ. ૧.૩૦ કરોડના ખર્ચે સુવિધાપથ (સી.સી. રોડ) મંજૂર કરવામાં આવ્યો છે. આ વિકાસ કાર્ય માટે સ્થાનિક ધારાસભ્ય જનકભાઈ તળાવીયાની સતત રજૂઆત અને પ્રયત્નો સફળ થતા ગ્રામજનોમાં સંતોષની લાગણી જોવા મળી રહી છે. કોટડાપીઠા ગામે વસવાટ કરતા નાગરિકો, ખેડૂતો, વિદ્યાર્થીઓ અને વેપારીઓને વર્ષોથી ખરાબ માર્ગોના કારણે અવરજવર કરવામાં ભારે મુશ્કેલી પડતી હતી. ખાસ કરીને ચોમાસામાં કાચા અને જર્જરિત રસ્તાઓને કારણે રોજિંદા વ્યવહાર પર માઠી અસર થતી હતી. આ સમસ્યાના નિવારણ માટે મંજૂર થયેલો આ રોડ કોટડાપીઠા ગામે કર્ણુકીના કાચા રસ્તાને જોડતો સી.સી. રોડ બનશે. આ મંજૂરી મળતાં કોટડાપીઠા ગામના સરપંચ, ગ્રામ પંચાયતના સભ્યો અને આગેવાનોએ ધારાસભ્યનો આભાર વ્યક્ત કર્યો હતો.










































