બગસરા સ્થિત મેઘાણી સ્કૂલ ખાતે રાજ્યકક્ષાની એસ.જી.એફ.આઈ. (SGFI) રમતગમત સ્પર્ધામાં ઉત્કૃષ્ટ દેખાવ કરી શાળા અને વિસ્તારનું નામ રોશન કરનાર છ ખેલાડીઓનો સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં મકવાણા પરીતા, ખૂંટ ગોપી, સતાસીયા વિશ્વા, સોલંકી માનવી, મીટાળીયા તન્વી અને કુણપરા તન્વીને સન્માનિત કરવામાં આવ્યા હતા. જિલ્લા વ્યાયામ સંઘના પ્રમુખ મનોજભાઈ મહિડા, મેઘાણી સ્કૂલના આચાર્ય વિનોદભાઈ જેઠવા, શાળા નંબર ૪ના આચાર્ય દર્શનભાઈ ઠાકર તથા વોલીબોલ કોચ મનીષભાઈ કુકવાવા ઉપસ્થિત રહ્યા હતા. બગસરા તાલુકાના ખેલ સહાયકોએ પણ હાજરી આપી ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો. મહાનુભાવોના હસ્તે ખેલાડીઓને સન્માન પત્ર અર્પણ કરી પ્રોત્સાહિત કરાયા હતા. અંતે ખેલાડીઓ ભવિષ્યમાં પણ રમતગમત ક્ષેત્રે વધુ સિદ્ધિઓ મેળવે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.