નડિયાદ રેલવે સ્ટેશન પર થયેલી ચર્ચાસ્પદ સોનાની લૂંટના ગુનાનો અમદાવાદ ગ્રામ્ય એલસીબી અને વિરમગામ ટાઉન પોલીસે ભેદ ઉકેલ્યો છે. સંયુક્ત ઓપરેશનમાં પોલીસે ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે. આરોપીઓ પાસેથી લૂંટના સોના સહિત આશરે ૪ કરોડનો મુદ્દામાલ અને ગુનામાં ઉપયોગમાં લેવાયેલા બે વાહનો કબજે કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે, ચાલતી કારમાં ઘૂસીને પોલીસ ઇન્સ્પેક્ટરે ઓપરેશન પાર પાડ્યું છે.
આ અંગે પોલીસને બાતમી મળી હતી કે, નડિયાદમાં લૂંટને અંજામ આપ્યા બાદ આરોપીઓ વિરમગામ બાયપાસ હાઈવે તરફથી પસાર થઈ રહ્યા છે. આ બાતમીના આધારે અમદાવાદ ગ્રામ્ય એલસીબી અને વિરમગામ ટાઉન પોલીસે સંયુક્ત રીતે વોચ ગોઠવી હતી.
વિરમગામના શ્રી પંચમુખી હનુમાન મંદિર નજીક પોપટ ચોકડી અને નીલકી ગામ પાસેથી પોલીસની ટીમે આરોપીઓની કારને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન પોલીસના જણાવ્યા મુજબ, આરોપીઓ ભાગી ન જાય તે માટે પીઆઇએ ચાલતી કારમાં પ્રવેશ કરી આરોપીઓને કાબૂમાં લીધા હતા. પોલીસની આ કાર્યવાહી દરમિયાન ચારેય આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા.
પોલીસે આરોપીઓ પાસેથી લૂંટ સાથે સંકળાયેલું સોનું સહિત કુલ આશરે ૪ કરોડનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ ઉપરાંત ગુનામાં ઉપયોગમાં લેવાયેલા બે વાહનો પણ જપ્ત કરવામાં આવ્યા છે. જોકે, કબજે કરાયેલા મુદ્દામાલમાં સોનાનો ચોક્કસ જથ્થો, તેની કિંમત અને અન્ય વસ્તુઓની વિગતો અંગે પોલીસ તરફથી સત્તાવાર માહિતી મળ્યા બાદ વધુ સ્પષ્ટતા થઈ શકશે.
ચારેય આરોપીઓની ધરપકડ બાદ પોલીસે તેમની પૂછપરછ શરૂ કરી છે. નડિયાદ રેલવે સ્ટેશન પર થયેલી લૂંટમાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી હતી કે નહીં, લૂંટેલું સોનું ક્્યાં લઈ જવામાં આવી રહ્યું હતું અને સમગ્ર ઘટનામાં અન્ય કોઈ મદદગાર હતા કે કેમ તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. અમદાવાદ ગ્રામ્ય એલસીબી અને વિરમગામ ટાઉન પોલીસની સંયુક્ત કાર્યવાહી બાદ હવે સમગ્ર લૂંટકાંડની કડીઓ જાડવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.