જમીન કૌભાંડ અને બનાવટી દસ્તાવેજાના કેસમાં દોષિત ઠરાવાયેલા પોપ્યુલર બિલ્ડરના રમણ પટેલને ગુજરાત હાઇકોર્ટમાંથી મોટો ઝટકો મળ્યો છે. હાઇકોર્ટે તેમની સજા રદ કરવા તેમજ ચુકાદા પર સ્ટે મૂકવાની માંગણી ફગાવી દીધી છે. પરિણામે સેશન્સ કોર્ટ દ્વારા ફટકારવામાં આવેલી ચાર વર્ષની સજા હાલ યથાવત રહેશે.

સાણંદ તાલુકાના ચેખલા ગામમાં જમીન સંબંધિત એક વિવાદાસ્પદ કેસમાં રમણ પટેલ સામે ગંભીર આરોપો લાગ્યા હતા. તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે નવી શરતની જમીનને જૂની શરતની દર્શાવવા માટે કથિત રીતે નકલી સરકારી દસ્તાવેજા તૈયાર કરવામાં આવ્યા હતા. આ દસ્તાવેજાના આધારે જમીન હડપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું ફરિયાદમાં જણાવાયું હતું.

વર્ષ ૨૦૨૫માં સેશન્સ કોર્ટે રમણ પટેલને છેતરપિંડી, બનાવટી દસ્તાવેજા તૈયાર કરવા અને કાવતરું રચવાના ગુનામાં દોષિત ઠેરવી ચાર વર્ષની કેદ અને રૂ.૧.૫૦ લાખનો દંડ ફટકાર્યો હતો.

સેશન્સ કોર્ટના આ ચુકાદા સામે રમણ પટેલે ગુજરાત હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી. અરજીમાં પોતાની ઉંમર અને સ્વાસ્થ્યની સ્થિતિનો ઉલ્લેખ કરીને સજા પર સ્ટે અને સજા રદ કરવાની માંગણી કરવામાં આવી હતી.

રાજ્ય સરકાર તરફથી રજૂઆત દરમિયાન દલીલ કરવામાં આવી હતી કે આરોપી સામે જમીન સંબંધિત અનેક ગુનાઓ નોંધાયેલા છે અને ભૂતકાળમાં પણ વિવિધ ફરિયાદો થઈ ચૂકી છે. ઉપરાંત આરોપી પ્રભાવશાળી વ્યક્તિ હોવાથી સજા મોકૂફ રાખવા યોગ્ય નથી.

કોર્ટ સમક્ષ બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ હાઇકોર્ટે સજા રદ કરવાની તેમજ ચુકાદા પર સ્ટે આપવાની માંગણી સ્વીકારી નહોતી. કોર્ટના આ નિર્ણયથી રમણ પટેલને કાનૂની લડતમાં મોટો ફટકો પડ્યો છે. તપાસ દરમિયાન રમણ પટેલ સાથે સંકળાયેલી અંદાજે ૫૨ કંપનીઓ અંગે માહિતી સામે આવી હોવાનું કહેવાય છે. ઉપરાંત છેલ્લા ઘણા વર્ષોમાં જમીન વ્યવહારો સંબંધિત વિવિધ ફરિયાદો પણ નોંધાઈ હોવાનું સરકાર તરફથી રજૂ કરવામાં આવ્યું હતું. હાઇકોર્ટના નિર્ણય બાદ હવે આ કેસમાં આગામી કાનૂની પગલાં પર સૌની નજર રહેશે.