ભારતીય જનતા પાર્ટી કિસાન મોરચાએ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાને વર્ષ ૨૦૨૬-૨૭થી ૨૦૩૦-૩૧ સુધી વધુ પાંચ વર્ષ માટે ચાલુ રાખવાના કેન્દ્ર સરકારના નિર્ણયને આવકાર્યો છે. યોજનાના અમલ માટે રૂ. ૩.૧૫ લાખ કરોડની ફાળવણી મંજૂર કરવામાં આવી છે. પાત્ર ખેડૂત પરિવારોને દર વર્ષે રૂ. ૬ હજારની સહાય ત્રણ સમાન હપ્તામાં ડાયરેક્ટ બેનેફિટ ટ્રાન્સફર દ્વારા તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવશે. ગુજરાત પ્રદેશ કિસાન મોરચાના પ્રમુખ હિરેન હિરપરાએ જણાવ્યું કે આ નિર્ણય ખેડૂતો પ્રત્યે સરકારની પ્રતિબધ્ધતા દર્શાવે છે. તેમણે કહ્યું કે ગુજરાતના અંદાજે ૫૧.૨૮ લાખ ખેડૂત પરિવારોને યોજનાનો લાભ મળી રહ્યો છે અને આગામી વર્ષોમાં પણ ખેતી માટે જરૂરી આર્થિક સહાય મળતી રહેશે. દેશના ૯.૪૯ કરોડથી વધુ પાત્ર ખેડૂતોને યોજનાનો લાભ મળતો રહેશે. મોરચાએ જણાવ્યું કે આ નિર્ણય ખેડૂતોની આવક સુરક્ષા, કૃષિ રોકાણ અને ગ્રામ્ય અર્થવ્યવસ્થાને વધુ મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ સાબિત થશે.