પાકિસ્તાન ક્રિકેટ ટીમ ખરાબ હાલતમાં છે. ટીમ વનડે માં ૨૦૦ રન પણ બનાવી શકી નથી. બાબર આઝમનું બેટ ફરી શાંત પડી ગયું છે. આ જ કારણ છે કે ઓસ્ટ્રેલિયાએ ત્રણ મેચની વનડે શ્રેણીની બીજી મેચમાં પાકિસ્તાનને હરાવ્યું. શ્રેણી હવે ૧-૧ થી બરાબર છે. ઓસ્ટ્રેલિયા માટે કેપ્ટન જાશ ઈંગ્લીશ અને કેમેરોન ગ્રીને અડધી સદી ફટકારી.
ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમ હાલમાં પાકિસ્તાનના પ્રવાસે છે, જ્યાં ત્રણ મેચની વનડે શ્રેણી રમાઈ રહી છે. પાકિસ્તાને શ્રેણીની પહેલી મેચ જીતી હતી, પરંતુ ઓસ્ટ્રેલિયાએ બીજી મેચમાં પાકિસ્તાનને હરાવીને વાપસી કરી હતી. પહેલા બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ ૫૦ ઓવરમાં ૯ વિકેટે ૨૩૧ રન બનાવ્યા હતા. ટીમની શરૂઆત નબળી રહી હતી અને ઓપનર એલેક્સ કેરી મેચના પહેલા જ બોલ પર આઉટ થઈ ગયો હતો. તે પછી કેપ્ટન જાશ ઈંગ્લીસે સંયમિત ઇનિંગ રમી હતી. મેથ્યુ શોર્ટે ૧૫ અને માર્નસ લાબુશેને ૫ રન બનાવ્યા હતા. ત્યારબાદ કેપ્ટનને કેમેરોનનો સાથ મળ્યો હતો. જાશ ઈંગ્લીસે ૫૧ અને કેમેરોન ગ્રીને ૫૩ રન બનાવ્યા હતા. ટીમ ૨૩૧ રન સુધી પહોંચવામાં સફળ રહી. પાકિસ્તાન તરફથી કેપ્ટન શાહીન શાહ આફ્રિદીએ ત્રણ વિકેટ લીધી. તેમના સિવાય, હરિસ રૌફ, અરાફત મિન્હાસ અને અબરાર અહેમદે બે-બે વિકેટ લીધી.
પાકિસ્તાન સામે એક નાનો ટાર્ગેટ હતો, પરંતુ ટીમની શરૂઆત ખરાબ રહી. ઓપનર માઝ સદકત શૂન્ય રન પર આઉટ થયા. ત્યારબાદ સાહિબજાદા ફરહાન ફક્ત ૩ રન બનાવી શક્યા. ત્રીજા નંબરે બેટિંગ કરી રહેલા ભૂતપૂર્વ કેપ્ટન બાબર આઝમ ૧૬ બોલમાં ૧૬ રન બનાવીને આઉટ થયા. ગાઝી ઘોરીએ ૩૭ રન બનાવ્યા. સલમાન અલી આગા અને અબ્દુલ સમદ પણ સિંગલ ડિજિટમાં આઉટ થયા. પાકિસ્તાનનો પરાજય વધુ મોટો હોઈ શકે તેમ હતો, પરંતુ શાદાબ ખાને ૧૦૪ બોલમાં ૭૧ રનની શાનદાર ઇનિંગ રમી. પાકિસ્તાની ટીમ ૪૪ ઓવરમાં ફક્ત ૧૯૦ રન જ બનાવી શકી અને ઓલઆઉટ થઈ ગઈ. આમ, ઓસ્ટ્રેલિયાએ મેચ ૪૧ રનથી જીતી લીધી.