પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં હાથ ધરવામાં આવેલા અનેક સુરક્ષા કાર્યવાહીમાં સોળ આતંકવાદીઓ માર્યા ગયા હતા. રેડિયો પાકિસ્તાન અનુસાર, બુધવારે મસ્તુંગ, તુર્બત અને ક્વેટા જિલ્લામાં આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. માર્યા ગયેલા આતંકવાદીઓ પાસેથી મોટી માત્રામાં દારૂગોળો જપ્ત કરવામાં આવ્યો હતો.
મસ્તુંગની કનક ખીણમાં સુરક્ષા ચોકી પર હુમલો કરવાનો પ્રયાસ કરી રહેલા નવ આતંકવાદીઓ માર્યા ગયા હતા. રાજ્ય મીડિયાએ અહેવાલ આપ્યો છે કે તેમના કબજામાંથી શસ્ત્રો, દારૂગોળો અને ત્રણ મોટરસાયકલ જપ્ત કરવામાં આવી છે. ભીષણ ગોળીબારમાં એક સુરક્ષા કર્મચારી પણ ઘાયલ થયો હતો.
તુર્બત જિલ્લાના જાસ્ક વિસ્તારમાં ગુપ્ત માહિતી આધારિત કાર્યવાહીમાં સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને ઠાર માર્યા. રેડિયો પાકિસ્તાન અનુસાર, પોલીસે પ્રાંતીય રાજધાની ક્વેટાની બહારના ભાગમાં આવેલા અઘબર્ગ પોલીસ સ્ટેશન પરના હુમલાને પણ નિષ્ફળ બનાવ્યો, જેમાં પાંચ આતંકવાદીઓ માર્યા ગયા.
અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે બુધવારે વહેલી સવારે મોટરસાયકલ સવાર આતંકવાદીઓએ પોલીસ સ્ટેશનને નિશાન બનાવ્યું હતું, જેના કારણે પોલીસે જવાબી કાર્યવાહી કરી. હુમલામાં સામેલ આતંકવાદીઓ પ્રતિબંધિત તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન સંગઠનના હતા, અને તેમની પાસેથી શસ્ત્રો અને દારૂગોળો મળી આવ્યો હતો.
બીજી ઘટનામાં, બલુચિસ્તાનના નુશ્કી જિલ્લામાં પોલિયો રસીકરણ ટીમની રક્ષા કરી રહેલા બે પોલીસકર્મીઓની અજાણ્યા બંદૂકધારીઓ દ્વારા હત્યા કરવામાં આવી હતી. હજુ સુધી કોઈ જૂથ કે વ્યક્તિએ આ હુમલાની જવાબદારી સ્વીકારી નથી.
એ નોંધવું જાઈએ કે પાકિસ્તાનના બલુચિસ્તાનમાં હિંસાનો લાંબો ઇતિહાસ છે. બલૂચ અલગતાવાદી સંગઠનો બલૂચિસ્તાનને પાકિસ્તાનથી અલગ કરવાની માંગણી સાથે સશ† પ્રવૃત્તિઓ ચલાવી રહ્યા છે, જ્યારે ટીટીપી જેવા ઇસ્લામિક ઉગ્રવાદી સંગઠનો પણ આ પ્રદેશમાં સક્રિય છે. આ વિસ્તારમાં સુરક્ષા દળો વારંવાર ઉગ્રવાદીઓ સાથે અથડામણ કરે છે. આ ઘટનામાં સુરક્ષા દળોએ આ ૧૬ ઉગ્રવાદીઓને ઠાર માર્યા છે.