ધંધુકાના ચાર ખેડૂતોને ગેરકાયદેસર રીતે અટકાયતમાં રાખવા, કસ્ટડીમાં માર મારવા અને દોરડાથી હાથ બાંધીને જાહેરમાં પરેડ કરાવવાના આક્ષેપો મામલે ગુજરાત હાઈકોર્ટે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની અરજી પર નોટિસ ફટકારી છે. અમદાવાદ રેન્જના પોલીસ મહાનિરીક્ષક, પોલીસ અધિક્ષક અને ધંધુકા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર બી.ટી. ગોહિલ સહિત નવ પોલીસ કર્મચારીઓ સામે કોર્ટના અનાદરની કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી છે. અરજદારો વતી સિનિયર એડવોકેટ આઈ.એચ. સૈયદે રજૂઆત કરતાં પોલીસ કર્મચારીઓ સામે કાર્યવાહી કરવા,ફૂટેજ સુરક્ષિત રાખવા, તબીબી દસ્તાવેજા મેળવવા અને અરજદારોને સુરક્ષા પૂરી પાડવાની માગ કરી હતી.
અરજદારો હુસેન મલવાત, મોહમ્મદહુસેન મોદાન, દાદિક મોદાન અને ઇમરાન મારુએ આ અરજી દાખલ કરી છે. અરજદારના જણાવ્યા મુજબ, ખેતરમાં ગેરકાયદેસર પ્રવેશ કરીને પાકને નુકસાન પહોંચાડવા અંગે ઢોરના માલિકો સામે ફરિયાદ નોંધાવવા તેઓ પોલીસ સ્ટેશન ગયા હતા. જાકે, રસ્તામાં થયેલી બોલાચાલી બાદ બંને પક્ષોની ફરિયાદો લેવાની બાબતને લઈને વિવાદ થયો હતો ત્યારબાદ પોલીસ ઇન્સ્પેક્ટર બી.ટી. ગોહિલની સૂચનાથી તેમને ગેરકાયદેસર રીતે અટકાયતમાં લેવામાં આવ્યા હોવાનો, માર મારવામાં આવ્યો હોવાનો અને દોરડાથી હાથ બાંધીને જાહેરમાં ફેરવવામાં આવ્યા હોવાનો આક્ષેપ અરજીમાં કરવામાં આવ્યો છે.
અરજદારો વતી સિનિયર એડવોકેટ આઈ.એચ. સૈયદે રજૂઆત કરી હતી કે, પોલીસ કસ્ટડીમાં રહેલી વ્યક્તિઓ સાથે કેવું વર્તન કરવું તે અંગે સુપ્રીમ કોર્ટે ડી.કે. બસુ કેસમાં સ્પષ્ટ માર્ગદર્શિકા આપી છે. આ ઉપરાંત, ગુજરાત હાઈકોર્ટે પણ વર્ષ ૨૦૧૯માં સંબંધિત નિર્દેશો આપ્યા હતા. અરજદારોની રજૂઆત મુજબ, વર્ષ ૨૦૨૬માં પોલીસ મહાનિર્દેશક દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્રમાં પણ આરોપીઓની જાહેરમાં પરેડ કરાવવા અને જાહેરમાં અપમાનિત કરવા સામે પ્રતિબંધાત્મક સૂચનાઓ આપવામાં આવી હતી. અરજદાર પક્ષે દલીલ કરી હતી કે પોલીસ દ્વારા કરવામાં આવ્યું હોવાનું કહેવાતું વર્તન આ નિર્દેશોની વિરુદ્ધ છે. તેથી સંબંધિત પોલીસ કર્મચારીઓ સામે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની કાર્યવાહી હાથ ધરી સજા કરવામાં આવે તેવી માગ કરવામાં આવી છે. આ ઉપરાંત, કથિત મારપીટ અને અમાનવીય વર્તન બદલ યોગ્ય વળતર આપવાની પણ માગ કરાઈ છે.
અરજીની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે પોલીસ સ્ટેશન, કસ્ટડી રૂમ અને જે વિસ્તારોમાં ખેડૂતોને જાહેરમાં ફેરવવામાં આવ્યા હોવાનો આક્ષેપ છે, ત્યાંના ફૂટેજ સુરક્ષિત રાખવાનો આદેશ આપ્યો હતો. ધંધુકાની હોસ્પિટલ સત્તાવાળાઓને સંબંધિત મેડિકલ કેસના દસ્તાવેજા પૂરા પાડવા પણ નિર્દેશ આપવામાં આવ્યો હતો.સુનાવણી દરમિયાન અરજીમાં એક પોલીસ કર્મચારીનું નામ ન દર્શાવાયું હોવાનો મુદ્દો પણ સામે આવ્યો હતો. આ અંગે હાઈકોર્ટે સવાલ કર્યો હતો કે અજ્ઞાત વ્યક્તિ સામે નોટિસ કેવી રીતે જારી કરી શકાય. સાથે જ, અરજીમાં નામ આપવામાં આવેલા પોલીસ કર્મચારીઓમાંથી કેટલાની ઓળખ તસવીરો અને વીડિયો ફૂટેજના આધારે થઈ શકે છે તે અંગે પણ પૂછપરછ કરી હતી. અરજદાર પક્ષે જવાબ આપ્યો હતો કે સંબંધિત પોલીસ કર્મચારીઓની ઓળખ થઈ શકે તેમ છે.અરજદારો પર દબાણ લાવવામાં આવતું હોવાના અને તેમને ધમકીઓ મળતી હોવાના આક્ષેપોને ધ્યાનમાં રાખીને તેમના વકીલે સુરક્ષા પૂરી પાડવાની માગ કરી હતી. આ રજૂઆતના જવાબમાં હાઈકોર્ટે સરકારી વકીલને પોલીસને કોઈ ઉતાવળભર્યું કે અયોગ્ય પગલું ન ભરવા સૂચના આપવા જણાવ્યું હતું.








































