ત્રણ વર્ષ પહેલાં અસંખ્ય ગૌધનના મૃત્યુનું કારણ બનેલો લંપી રોગ ફરી દામનગર શહેરમાં જોવા મળતાં પશુપાલકોમાં ફફડાટ ફેલાયો છે. છેલ્લા પાંચેક દિવસથી અહીંના વાછરડાઓ અને વાછરડીઓમાં લંપી રોગની ગાંઠો નીકળી હોવાના કિસ્સા નોંધાયા છે, જેના કારણે સ્થાનિક પશુપાલકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ત્રણ વર્ષ પહેલાં જ્યારે આ રોગ ફાટી નીકળ્યો હતો, ત્યારે સરકારી તંત્ર, સામાજિક સંસ્થાઓ અને પશુપ્રેમીઓએ સાથે મળીને આ પડકારનો સામનો કર્યો હતો. હવે ફરીથી આ રોગનો પ્રકોપ શરૂ થતાં દામનગરમાં દોડધામ મચી ગઈ છે. હાલમાં પશુ ડાક્ટર હિરેનભાઈ વાઘેલા દ્વારા અસરગ્રસ્ત વાછરડાઓની સારવાર કરવામાં આવી રહી છે. આ સાથે, દામનગરના ગૌસેવકો પણ આ બીમાર પશુઓની સેવા કરી રહ્યા છે. માહિતી મુજબ, હાલમાં ત્રણ વાછરડાઓની સારવાર ચાલી રહી છે, જ્યારે એક વાછરડીનું મૃત્યુ થયું હોવાનું જાણવા મળ્યું છે.