દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લામાં ભાજપની સેન્સ લેવાની પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે. નવસારીમાં ભાજપની સેન્સ લેવાની પ્રક્રિયામાં નવસારી મનપા, નવસારીની છ તાલુકા પંચાયત માટે સેન્સ લેવામાં આવ્યો હતો. આ ઉપરાંત ગણદેવી નગરપાલિકા અને જિલ્લા પંચાયત માટે પણ સેન્સ લેવાની પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે.

ભાજપના પ્રદેશ નિરીક્ષકોએ દાવેદારોને સાંભળ્યા હતા. સેન્સ લેવાની પ્રક્રિયામાં મોટી સંખ્યામાં દાવેદારોએ દાવેદારી નોંધાવી છે. પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં નામો મૂકવામાં આવશે. આમ નવસારીમાં સેન્સ લેવાની પ્રક્રિયા પૂરી થતા તેના અંગેના નિર્ણયની જાહેરાત પ્રદેશ મોવડી મંડળ આગામી ગણતરીના દિવસોમાં કરે તેમ માનવામાં આવે છે. તેથી તેનો નિર્ણય શું આવે છે તે જોવું મહત્વનું રહેશે.

વડોદરામાં સેન્સ લેવાની પ્રક્રિયા દરમિયાન ધારાસભ્યનો અસંતોષનો સૂર જાવા મળ્યો છે. સેન્સ આપવા પહોંચેલા વરિષ્ઠ ધારાસભ્યનો અસંતોષનો સૂર જોવા મળ્યો છે.સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલે અસંતોષનો સૂર વ્યક્ત કર્યો છે. તેમનું કહેવું છે કે પક્ષે સ્થાનિક કાર્યકરોની અવગણના કરીને આયાતી ઉમેદવારને ટિકિટ આપવામાં આવી છે. તેના કારણે સ્થાનિક કાર્યકરોમાં અસંતોષની લાગણી પ્રવર્તે છે.

તેમણે જણાવ્યું હતું કે વડોદરાના માંજલપુરમાં તો દરેક વોર્ડમાં એક ઉમેદવાર આયાતી છે. આમ માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલ સંગઠનથી નારાજ છે. વોર્ડ-નંબર ૧૭માં વર્ષોથી રેતા હિરેન સુખડિયાને તેમણે આયાતી ગણાવ્યા હતા. જો કે આંતરિક સૂત્રોનું કહેવું છે કે પોતાના મળતિયાને સ્થાન અપાવવા માટે તેમણે ઉમેદવારોને આયાતી ગણાવ્યા છે. આમ વડોદરામાં ભાજપની સેન્સ લેવાની પ્રક્રિયા વધુ આકરી બની છે.

આ સિવાય દાહોદ ભાજપમાં ભાજપ દ્વારા સેન્સ મેળવવાની પ્રક્રિયાનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. પ્રદેશ નિરીક્ષકોની હાજરીમાં સેન્સ મેળવવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. દાહોદ નગરપાલિકા અને ૧૧ તાલુકા પંચાયત માટે મંથન કરવામાં આવી રહ્યુ છે. જિલ્લા પંચાયત માટે મંથનના પ્રમુખ માટે પણ તાગ મેળવવાની પ્રક્રિયા જારી છે.

પ્રમુખ, ઉપપ્રમુખ અને ચેરમેન માટે દાવેદારોનો જમાવડો જારી છે. શીતલ સોની, નીરવ અમીન અને માધુ કથીરિયા દ્વારા સુનાવણી થવાની છે. મોડી રાત્રે જિલ્લા પંચાયત માટે સેન્સ લેવામાં આવશે તેમ કહેવામાં આવી રહ્યુ છે. આમ ભાજપમાં હવે મેયર અને ડેપ્યુટી મેયરથી લઈને દરેક મનપા, નપા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં નિમણૂકની પ્રક્રિયા વેગ પકડી રહી છે.

ગુજરાત પહેલા દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લા ભાજપ કાર્યાલય ‘કમલમ’ ખાતે આજે ભારે ઉત્સાહ અને ઉમંગનો માહોલ જોવા મળ્યો હતો. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ માટે ચાલી રહેલી સેન્સ પ્રક્રિયા દરમિયાન વાંસદા તાલુકા પંચાયતમાં ભાજપના શાનદાર વિજયની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે નવસારીના સાંસદ ધવલ પટેલે ઉપસ્થિત રહી કાર્યકરોનો ઉત્સાહ વધાર્યો હતો