વડિયાના નવા ઉજળા ગામે ‘તમે તમારી ગાડી સાઈડમાં ચલાવા’તેમ કહેતાં ઢીકાપાટુ મારીને જાનથી મારવાની ધમકી આપવામાં આવી હતી. તેમજ ઘરના દરવાજા પર લોખંડની પાઈપના ઘા માર્યા હતા. આ બનાવ સંદર્ભે અશોકભાઈ લક્ષ્મણભાઈ કાવઠીયા (ઉ.વ.૫૦)એ ભદ્રેશભાઇ મનસુખભાઇ ચૌહાણ, મનસુખભાઇ દાનાભાઇ ચૌહાણ, લક્ષ્મીબેન મનસુખભાઇ ચૌહાણ, દેવાભાઇ ઘેલાભાઇ ચૌહાણ, દીલીપભાઇ ઘેલાભાઇ ચૌહાણ, રવજીભાઇ દાનાભાઇ ચૌહાણ તથા રવજીભાઇના પત્ની સામે ફરિયાદ નોંધાવી હતી.પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, બે દિવસ પહેલાં તેઓ પોતાનું મોટરસાયકલ લઈને ગામમાં આવેલી શાળાએ પાણી ભરવા માટે જતા હતા. તે વખતે ગામના પાદરમાં પહોંચતાં મનસુખભાઈ ચૌહાણ સામેથી રોંગ સાઈડમાં પોતાની ઈકો ગાડી ચલાવીને આવતા હતા. જેથી અશોકભાઈએ તેમને કહ્યું હતું કે, ‘તમે તમારી ગાડી સાઈડમાં ચલાવો, તમારી ઈકો ગાડી મારી મોટરસાયકલ સાથે અથડાઈ જાત.’ તેવું કહેતાં જ તેઓ જેમ ફાવે તેમ ગાળો દેવા લાગ્યા હતા અને ‘તને હું જોઈ લઈશ’ તેમ કહીને આરોપીઓ જતા રહ્યા હતા. ત્યારબાદ તા.૨૮/૦૯/૨૦૨૬ના રોજ તેઓ ગામના પાદરમાં ઓટા પર બેઠા હતા, તે વખતે આરોપીઓએ ગેરકાયદે મંડળી રચી એકસંપ થઈ તેમની પાસે આવીને જેમ ફાવે તેમ ગાળો આપી, શરીરે ઢીકાપાટુનો માર માર્યો હતો. ઉપરાંત પથ્થરના ઘા કરી જમણા હાથના કાંડા પર તથા જમણા ખભાના ભાગે મૂઢ ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બચવા માટે અશોકભાઈ ભાગીને સાહેદ પરેશભાઈના ઘરમાં જતા રહ્યા હતા. જેથી આરોપીઓ તેમની પાછળ આવ્યા હતા અને પરેશભાઈના ઘર પર પથ્થરના ઘા કરી ઘરના દરવાજા પર લોખંડની પાઈપના ફટકા માર્યા હતા.








































