જાફરાબાદના મીઠાપુર ગામે મહિલાના મોઢા આડો હાથ રાખી “રાડો કે દેકારો ન કર” કહી ગાળો આપી હતી. ઉપરાંત બીજીવાર શિખામણ આપવા જઈશ તો હવે બંને જણાને પતાવી દઈશું તેમ પણ કહ્યું હતું. આ અંગે ફૂલીબેન છનાભાઈ મકવાણા (ઉ.વ.૫૫) એ અશોકભાઈ સુખાભાઈ મકવાણા તથા દીપકભાઈ ચીથરભાઈ ચૌહાણ સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેમણે આરોપી અશોકભાઈની પત્નીને એકાદ મહિના પહેલા અશોકને સુધારવા બાબતે ઠપકો આપ્યો હતો. જેની દાઝ રાખીને આરોપીઓ, તેઓ અને તેમના પતિ બંને જણા ઓસરીમાં સૂતા હતા ત્યારે તેમના ઘરમાં પ્રવેશ કરીને લાકડાના ધોકાથી માર મારવા લાગ્યા હતા. જેથી તેઓ રાડો પાડવા જતાં અશોકભાઈ મકવાણાએ તેઓ રાડો કે દેકારો ન કરે તે માટે તેમના મોઢા આડો હાથ રાખ્યો હતો. તેમને લાકડાના સાતથી આઠેક ઘા આડેધડ મારીને પગમાં સાથળના ભાગે તથા ઘૂંટણના ભાગે અને ડાબા પગની ઘૂંટીના ભાગે ધોકાથી માર માર્યો હતો. તેમના પતિ જાગી જતાં બંને આરોપીઓએ તેમને અને તેમના પતિને જેમ ફાવે તેમ ગાળો આપી હતી. ઉપરાંત ‘હવે બીજીવાર શિખામણ આપવા જઈશ તો હવે બંને જણાને પતાવી દઈશું’ તેમ કહીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. નાગેશ્રી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એ. વી. દાફડા વધુ તપાસ કરી રહ્યા છે.






































