અમરેલી જિલ્લામાં વધુ ૩ પરિણીતાઓ પર સાસરિયાઓએ સિતમ ગુજાર્યો હતો. પ્રથમ બનાવમાં, લીલીયાના એકલેરા ગામે રહેતાં સરસ્વતીબેન દામજીભાઈ બરસીયા (ઉં.વ.૩૫)એ સુરતના પાસોદરામાં રહેતા પતિ પ્રદિપભાઇ નીકુળભાઇ ગજેરા, ગૌરીબેન નીકુળભાઇ ગજેરા, રીંકલબેન જતીનભાઇ નાગધરા, પાયલબેન રઘુભાઇ બારસીયા તથા મુકેશભાઇ નીકુળભાઇ ગજેરા સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમના બીજા લગ્ન તા. ૧૫-૦૨-૨૦૨૨ના રોજ થયા હતા. લગ્નના ત્રણ વર્ષ બાદ પતિએ અવારનવાર “તું મને ગમતી નથી” તેમ કહી ગાળો આપી મૂંઢ માર માર્યો હતો. જ્યારે અન્ય સાસરિયાઓએ પણ ગાળો બોલી મેણાં-ટોણાં માર્યા હતા. તમામ આરોપીઓએ તેમનો ત્યાગ કરી શારીરિક-માનસિક ત્રાસ આપ્યો હતો. બીજા બનાવમાં, અમરેલીમાં રહેતાં સમરીનબેન વાહીદભાઈ નગરીયા (ઉં.વ.૨૬)એ સુરતના ઉનપાટીયામાં રહેતા પતિ વસીમભાઇ આરીફભાઇ મેમણ, સાસુ નસીમબેન આરીફભાઇ મેમણ, સસરા આરીફભાઇ ઇસ્માઇલભાઇ મેમણ, જેઠ જુનેદભાઇ આરીફભાઇ મેમણ, જેઠાણી જાકેરાબેન જુનેદભાઇ મેમણ, જેઠ ઉમરભાઇ આરીફભાઇ મેમણ તથા જેઠાણી મુબસ્સીરાબેન ઉમરભાઇ મેમણ સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ, પોતાના નિકાહની તા. ૦૨-૧૧-૨૦૧૯ થી તા. ૦૩-૦૫-૨૦૨૫ દરમિયાન સુરત મુકામે પતિ, સાસુ, સસરા તથા જેઠ-જેઠાણીએ અવારનવાર ઘરકામ બાબતે તેમજ અન્ય બાબતોમાં મેણાં-ટોણાં મારી શારીરિક-માનસિક દુઃખ-ત્રાસ આપ્યો હતો. પતિએ ગાળો આપી ઢીકાપાટુનો મૂંઢ માર મારી,
જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.ત્રીજા બનાવમાં, લીલીયામાં રહેતાં કૃપાબેન બીજલભાઇ ખુમાણ (ઉં.વ.૨૪)એ ધારીના ઝર ગામે રહેતા પતિ વિમલભાઇ રમેશભાઇ દાફડા, સાસુ ચંપાબેન રમેશભાઇ દાફડા તથા સસરા રમેશભાઇ જગાભાઇ દાફડા સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ, લગ્નની તા. ૧૧-૧૧-૨૦૨૪ થી તા. ૧૩-૦૨-૨૦૨૬ દરમિયાન ઝર મુકામે પતિ તથા સાસુ-સસરાએ નાની-નાની બાબતોમાં ઘરકામ અને કરિયાવર અંગે અવારનવાર મેણાં-ટોણાં મારી શારીરિક-માનસિક દુઃખ-ત્રાસ આપ્યો હતો. તેમજ પતિએ ગાળો આપી ઢીકાપાટુનો મૂંઢ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.







































