જાફરાબાદના સામાકાંઠા વિસ્તારમાં રહેતા ફરીયાદીના મકાનનું કામ ચાલુ હોય ત્યારે મકાનને પાણી છાંટતી વખતે પાણીના છાંટા પાડોશીના મકાન પર પડતા ચાર શખ્સોએ એક સંપ કરી ફરીયાદી પર લોખંડના પાઈપ અને લાકડીઓ વડે હુમલો કરતા ફરીયાદને સારવામાં ખસેડવામાં આવ્યો હતો. જાફરાબાદના સામાકાંઠા વિસ્તારમાં પાણી છાંટવા જેવી સામાન્ય બાબતે થયેલી બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. વાંકાતળિયા વિસ્તારમાં રહેતા મયુરભાઈ રાજેશભાઈ બારૈયાના મકાનનું કામ ચાલુ હતું, ત્યારે પાણી છાંટતી વખતે પાડોશીના ઘર પર છાંટા ઉડતા માથાકૂટ થઈ હતી. પાડોશીના મકાન પર પાણીના છાંટા ઉડતા નિલેશ ગણપત ટંડેલ, પ્રવિણ ગણપત ટંડેલ, રાજેશ અને અજય નામના શખ્સોએ હુમલો કર્યો હતો. નિલેશે લોખંડના પાઈપ વડે મયુરભાઈ પર હુમલો કર્યો, જ્યારે અન્ય શખ્સોએ લાકડીઓ વડે મયુરભાઈના મામા, માસા અને ભાઈને આડેધડ માર માર્યો હતો. ૦૮ ફેબ્રુઆરીના રોજ આ મામલે જાફરાબાદ મરીન પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે. એ.એસ.આઈ. એચ.પી. ગોહિલ વધુ તપાસ ચલાવી રહ્યા છે.










































