મોટા માણસા ગામની સીમમાં અદાવત રાખીને એક યુવક પર છરી વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાની સનસનીખેજ ઘટના સામે આવી હતી. જયેશ નામના યુવકની સાથે રહેવું હિરેન ઉર્ફે હીરા જાદવને ભારે પડ્‌યું હતું. આ મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. આ અંગે ટીંબી ગામે રહેતા જગુભાઇ કાળાભાઇ બાંભણીયા (ઉ.વ.૩૭)એ મોટા માણસા ગામના ભાભલુભાઇ જોધાભાઇ સાંખટ, વડલી ગામના મહેશભાઇ ડાયાભાઇ રાઠોડ તથા જામકા ગામના અશ્વિનભાઇ બારૈયા સામે ફરિયાદ નોંધાવી હતી. મળતી માહિતી મુજબ, તેમનો ભાણેજ હિરેન ઉર્ફે હીરો હિંમતભાઇ જાદવ અને તેનો મિત્ર જયેશભાઇ કનુભાઇ સાંખટ બંને જયેશની વાડીએ જઈ રહ્યા હતા તે દરમિયાન વાડીના રસ્તે જયેશના કાકાના દીકરાઓ અને ચેતનભાઇ પરમાર ઉભા હતા. આરોપી ભાભલુભાઈને જયેશ સાથે અગાઉથી મનદુઃખ ચાલતું હતું. હિરેન ઉર્ફે હીરો સતત જયેશની સાથે રહેતો હતો, જે વાત આરોપી ભાભલુને ખટકતી હતી. આ વાતનો ખાર રાખીને આરોપીઓએ હુમલો કર્યો હતો. જ્યારે હિરેન અને જયેશ ત્યાંથી પસાર થયા ત્યારે આરોપીઓએ તેમને અટકાવ્યા હતા. શરુઆતમાં ગાળાગાળી કરી ઢીકાપાટુનો માર માર્યા બાદ, આરોપી ભાભલુએ પોતાની પાસે રહેલી છરી કાઢી હતી. આરોપી મહેશ અને અશ્વિને હિરેનને પકડી રાખ્યો હતો, ત્યારે ભાભલુએ તેને જાનથી મારી નાખવાના ઇરાદે ડાબા પડખાના ભાગે છરીનો ઘા ઝીંકી દીધો હતો. હુમલો કર્યા બાદ આરોપીઓ જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી છૂટ્યા હતા.