ગીર સોમનાથ જિલ્લામાં ફરી એકવાર ભૂકંપનો હળવો આંચકો અનુભવાયો છે. આજે સવારે ૧૧:૪૪ વાગ્યે રિક્ટર સ્કેલ પર ૨.૫ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ ઉના થી આશરે ૪૪ કિલોમીટર દૂર હોવાનું નોંધાયું છે. ભૂકંપની તીવ્રતા ઓછી હોવાથી આસપાસના વિસ્તારોમાં હળવા આંચકા અનુભવાયા હોવાની માહિતી મળી રહી છે. હાલ સુધી કોઈ જાનહાનિ કે મોટું નુકસાન થયાના અહેવાલ સામે આવ્યા નથી. સ્થાનિક તંત્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે.
આ પહેલા ૧ જાન્યુયારીએ ગીર સોમનાથ જિલ્લાના તાલાલા વિસ્તારમાં વહેલી સવારે ધરતી કંપવાની ઘટના નોંધાઈ હતી.સવારે લગભગ ૩ઃ૫૯ વાગ્યાની આસપાસ તાલાલા તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ભૂકંપનો હળવો આંચકો અનુભવાયો હતો. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૨.૬ નોંધાઈ હોવાનું સામે આવ્યું હતું.
રાત્રિના શાંત વાતાવરણમાં અચાનક અનુભવાયેલા કંપનને કારણે કેટલાક રહેવાસીઓમાં ચિંતાનો માહોલ જાવા મળ્યો હતો. અનેક લોકો સલામતીના હેતુસર ઘરની બહાર દોડી આવ્યા હતા. જાકે, આ આંચકો હળવો હોવાથી કોઈ નુકસાન થયું હોવાના અહેવાલો સામે આવ્યા નથી.










































