કોંગ્રેસ દ્વારા આયોજિત કિસાન અધિકાર યાત્રા દરમિયાન અમદાવાદના ઓગણજ વિસ્તારમાં તંગદિલીનો માહોલ સર્જાયો હતો. યાત્રા દરમિયાન ખેડૂતો અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ માથાકૂટની ઘટના સામે આવી હતી.
ખેડૂતોએ કોંગ્રેસ સામે ગંભીર આરોપ લગાવતા જણાવ્યું હતું કે તેમને કોંગ્રેસની સભામાં હાજરી આપવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. આ મુદ્દે કેટલાક ખેડૂતો અને કોંગ્રેસ કાર્યકરો વચ્ચે ઉગ્ર વાદવિવાદ થયો હતો, જે બાદ સ્થીતિ વધુ તંગ બની ગઈ હતી.
બીજી તરફ, ન્યાયની માંગ સાથે નીકળેલી ટ્રેક્ટર રેલી દરમિયાન પોલીસ અને ખેડૂતો વચ્ચે પણ ઘર્ષણ સર્જાયું હતું. ખેડૂતો ગાંધીનગર તરફ આગળ વધવાની જીદ પર અડગ રહ્યા હતા, જ્યારે પોલીસ દ્વારા તેમને રોકવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા.
અમદાવાદ રિંગ રોડ પર પોલીસ અને ખેડૂતો સામસામે આવી ગયા હતા. પરિસ્થીતિને નિયંત્રણમાં લેવા માટે પોલીસે જેસીબી મશીન આડું રાખીને ખેડૂતોનો માર્ગ અવરોધવાનો પ્રયાસ કર્યો હતો. જાકે ખેડૂતો દ્વારા વિરોધ ચાલુ રાખવામાં આવતા વિસ્તારમાં ભારે તણાવનું વાતાવરણ સર્જાયું હતું.
ઘટનાને પગલે પોલીસનો કાફલો તૈનાત કરવામાં આવ્યો હતો અને સ્થીતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. કોંગ્રેસ તેમજ ખેડૂતોના પ્રતિનિધિઓ દ્વારા આ મુદ્દે અલગ-અલગ દાવાઓ કરવામાં આવી રહ્યા છે, ત્યારે સમગ્ર ઘટનાએ રાજકીય ગરમાવો વધારી દીધો છે.









































