ખાંભા રોડ પર જીઓ પેટ્રોલ પંપની સામે આવેલા મેદાનમાં અમરેલી જિલ્લાકક્ષાના ૭૭મા પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. રાજ્યમંત્રીએ ધ્વજવંદન કરી રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. આ પ્રસંગે પોલીસ પરેડ અને માર્ચ પાસ્ટ યોજાઈ, જેમાં રાજ્યમંત્રીએ પરેડનું નિરીક્ષણ કર્યું હતું. પ્રજાસત્તાક પર્વ નિમિત્તે રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખાંભાની ખમીરવંતી ધરાના ઐતિહાસિક ગૌરવને યાદ કરતાં જણાવ્યું હતું કે, સક્ષમ નેતૃત્વના કારણે સંવેદનશીલતા, પારદર્શકતા, પ્રગતિશીલતા અને નિર્ણાયકતાના આધાર પર ગુજરાતે સર્વસમાવેશક વિકાસ સાધ્યો છે. આ વિકાસયાત્રામાં અમરેલી જિલ્લો પણ સતત આગળ વધી રહ્યો છે. જિલ્લાની વિકાસયાત્રા પર પ્રકાશ પાડતાં તેમણે જણાવ્યું કે, ડિજિટલ શિક્ષણને વેગ આપવા માટે જિલ્લામાં ૭૪૨ શાળાના ૨,૮૫૪ વર્ગખંડોમાં જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અમલમાં છે. જિલ્લામાં ૧૦ નવી સરકારી માધ્યમિક શાળાઓ મંજૂર કરવામાં આવી છે તથા “નમો લક્ષ્મી સ્કોલરશિપ” યોજના હેઠળ ૧૫,૯૨૧ વિદ્યાર્થીઓને લાભ આપવામાં આવ્યો છે. જાફરાબાદ દરિયાકિનારા વિસ્તારમાં મત્સ્ય ઉદ્યોગ વિકાસની વિશાળ સંભાવનાઓ છે અને વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન માછીમારોને રૂ. ૮.૮૪ કરોડથી વધુની સહાય આપવામાં આવી છે. જિલ્લાના ૬૧૨ ગામો અને ૯ શહેરી વિસ્તારોમાં પાઈપલાઈન દ્વારા શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે. “પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના” હેઠળ ૫૩ હજારથી વધુ આયુષ્યમાન કાર્ડનું વિતરણ થયું છે. સૂર્ય ઊર્જાના ક્ષેત્રે પણ જિલ્લો આગળ વધી રહ્યો છે, જ્યાં “પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના” અંતર્ગત ૧૮ હજારથી વધુ સોલાર રૂફટોપ જોડાણ સ્થાપિત થયા છે.કાર્યક્રમમાં વિવિધ વિભાગોના ૧૧ ટેબ્લોની ઝાંખી, સાંસ્કૃતિક કૃતિઓ, યોગાસન, નૃત્યો તેમજ રોડ સેફ્ટી અને ૧૦૮ સેવાની મોકડ્રીલ યોજાઈ. અંતે શ્રેષ્ઠ પરેડ, ટેબ્લો અને સાંસ્કૃતિક કાર્યક્રમ માટે પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા હતા. રાજ્યમંત્રીએ ખાંભા તાલુકાના વિકાસ માટે રૂ. ૨૫ લાખનો ચેક અર્પણ કરી પ્રજાસત્તાક પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી.
આ તકે, કલેકટર, જિલ્લા પોલીસ વડા, અધિકારીઓ અને પદાધિકારીઓ સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતા.










































