ખાંભાના ત્રાકુડા ગામે નવું મકાન લેવાની અદાવતમાં યુવક પર હુમલો કરાયો હતો.
યુવકે ગામમાં નવું મકાન ખરીદતા આરોપીઓને તે ગમ્યું નહોતું, જેની અદાવત રાખીને આ હુમલો કરવામાં આવ્યો હતો.
આ અંગે કનુભાઇ જીણાભાઇ રાઠોડ (ઉ.વ.૩૨) એ ભરતભાઇ લખમણભાઇ પરમાર તથા રામજીભાઇ ભાણાભાઇ રાઠોડ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે,તેમણએ તાજેતરમાં જ ત્રાકુડા ગામમાં નવું મકાન લીધું હતું. આ બાબત આરોપીઓને સારી ન લાગતા તેઓએ ખાર રાખ્યો હતો. આ મનદુઃખમાં આરોપીએ તેમને વાડીએ બોલાવ્યા હતા.
તેઓ વાડીએ પહોંચતા જ આરોપીએ તેમને બેફામ ગાળો દેવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન ગળાના ભાગે નખ વડે હુમલો કરી ગંભીર ઉઝરડા કર્યા હતા. પાણીની પ્લાસ્ટિકની પાઈપ વડે માથામાં બે ઘા ઝીંકી દીધા હતા, જેના કારણે કપાળ અને માથાના પાછળના ભાગે લોહી નીકળ્યું હતું. આ ઉપરાંત વાંસામાં અને ડાબા પડખાના ભાગે પણ પાઈપ વડે આડેધડ ફટકારી મૂઢ ઇજાઓ પહોંચાડવામાં આવી હતી. તેમજ બંને આરોપીઓએ તેમને જતાં-જતાં જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ખાંભા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ઘનશ્યામભાઇ હસમુખભાઇ મહેતા વધુ તપાસ કરી રહ્યા છે.