વડીયા-કુંકાવાવ તાલુકાના અમરાપુર ગામે લોકોની સુરક્ષા અને ગેરકાનૂની ઘટનાઓ અટકાવવા માટે તાલુકા નાણા પંચની ગ્રાન્ટમાંથી થોડા સમય પહેલા ૧૬ જેટલાં સીસીટીવી કેમેરા ત્રણ લાખના ખર્ચે મુકવામાં આવ્યા હતા. આ કેમેરાને હજુ એક વર્ષ પણ પૂરું થયુ નથી ત્યાં ૧૬માંથી ફક્ત એક જ કેમેરો ચાલુ હાલતમાં છે. એક વર્ષમાં જ આ સીસીટીવી કેમેરા બંધ થતા નબળી ગુણવત્તાના કેમેરા નાખવામાં આવ્યા હોય તેવા આક્ષેપ સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવી રહ્યા છે. આ બાબતે અમરાપુર ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા તાલુકા વિકાસ અધિકારીને લખાયેલો એક પત્ર સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં આ કેમેરા જે કંપની પાસેથી ખરીદવામાં આવ્યા છે તે હાલ સરપંચનો ફોન ઉપાડતા નથી તો આ બાબતે ઘટતું કરવા માગણી કરવામાં આવી છે. આથી આ બાબતે કાર્યવાહી કરવા લોકો દ્વારા માગણી થઇ રહી છે.