ઉના તાલુકાના સીમર ગામના વાડી વિસ્તારમાં સામાન્ય બોલાચાલીએ લોહીયાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. દંપતી વચ્ચે ચાલી રહેલા ઝઘડા દરમિયાન આવેશમાં આવી ગયેલા પતિએ પોતાની પત્નીના માથામાં દસ્તાના જીવલેણ ઘા ઝીંકી તેની નિર્મમ હત્યા નીપજાવી હતી. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આરોપીના ભાઈના જણાવ્યા અનુસાર, અનૈતિક સંબંધોની શંકાના કારણે આ પગલું ભરવામાં આવ્યું હોઈ શકે છે, પરંતુ
મૃતકના પુત્રોએ આ આક્ષેપોને સદંતર ફગાવી દીધા છે. પુત્રોના દાવા મુજબ તેમના પિતા માનસિક રીતે અસ્વસ્થ હતા અને તેના કારણે જ આ હિંસક કૃત્ય આચર્યું છે. ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને ગણતરીના કલાકોમાં જ ફરાર આરોપી પતિની ધરપકડ કરી લીધી છે. હોસ્પિટલના પ્રાંગણમાં જ્યારે માતાનો
મૃતદેહ લવાયો ત્યારે પુત્રો કેતન અને દિનેશના હૈયાફાટ રુદનથી વાતાવરણ અત્યંત ગમગીન બની ગયું હતું. “અમારું ધ્યાન રાખનારી માતા જતી રહી, હવે અમારું કોણ?” તેવા કરુણ શબ્દો સાથે પુત્રો માતાને વળગી પડયા હતા.