ઉના તાલુકાના વાંસોજ ગામમાં ગુવાર-બટેટાનું શાક અને રોટલો ખાધા બાદ એક જ પરિવારના ત્રણ સભ્યોની તબિયત લથડવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં બે વર્ષની બાળકી જીનલનું મોત નીપજ્યું છે,
જ્યારે તેના માતા-પિતાની હાલત ગંભીર હોવાથી બંનેને ઉનાની ખાનગી હોસ્પિટલના આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે. પ્રાપ્ત વિગતો મુજબ, વાંસોજ ગામના રહેવાસી રાજેશભાઈ ભગાભાઈ કામળીયા, તેમનાં પત્ની સોનલબેન અને પુત્રી જીનલે રાત્રે ગુવાર-બટેટાનું શાક અને રોટલો ખાધો હતો. ત્યારબાદ ત્રણેયને ઊલટીઓ થવા લાગી હતી. શરૂઆતમાં ગામમાં પ્રાથમિક સારવાર અપાવવામાં આવી હતી, પરંતુ સવારે તબિયત વધુ બગડતાં ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં. ત્યાં તબીબોએ જીનલને મૃત જાહેર કરી હતી. એકની એક દીકરીના મોતથી માતા-પિતા પર આભ તૂટી પડ્‌યું છે. સારવાર હેઠળ રહેલાં સોનલબેન આઘાતને કારણે કશું બોલી શકતાં નથી અને તેમની આંખોમાંથી સતત આંસુ વહી રહ્યાં છે. ઘટનાનું ચોક્કસ કારણ જાણવા તપાસ જરૂરી છે.