રાજકોટમાં ઓછા વરસાદને કારણે દિવાળી બાદ પાણીકાપ મુકવાની શક્્યતા ઊભી થઈ હતી, પરંતુ હવે શહેરના લોકોને મોટી રાહત મળી છે. આજી-૧ ડેમ બાદ રાજકોટના બીજા મુખ્ય જળાશય ન્યારી-૧ ડેમમાં પણ સૌની યોજના હેઠળ નર્મદાના નીર પહોંચાડવાનું શરૂ કરાયું છે. સિંચાઈ વિભાગ દ્વારા ન્યારી ડેમમાં દરરોજ ૧૫થી ૧૬ એમસીએફટી પાણી આપવામાં આવશે. આ રીતે અંદાજે દોઢથી બે મહિનામાં ડેમમાં પાણીનો જથ્થો નોંધપાત્ર રીતે વધવાની શક્્યતા છે.
રાજ્ય સરકાર દ્વારા ગઈકાલે બપોરથી આજી-૧ ડેમમાં નર્મદાનું પાણી ઠાલવવાની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ મોડી રાત્રે ન્યારી-૧ ડેમમાં પણ સૌની યોજના અંતર્ગત પાણી આપવાનું શરૂ કરાયું હતું.
મનપાના સિટી ઇજનેર કે. પી. દેથરિયાએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકારે રાજકોટની પાણીની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને નર્મદાનું પાણી આપવાની માગ સ્વીકારી છે. આજી અને ન્યારી ડેમમાં અલગ-અલગ લાઇન મારફતે દરરોજ કુલ આશરે ૩૫ એમસીએફટી પાણી આપવામાં આવશે. આજી ડેમમાં રોજ ૧૮થી ૨૦ એમસીએફટી અને ન્યારી ડેમમાં ૧૫થી ૧૬ એમસીએફટી પાણી પહોંચાડવાની યોજના છે. હાલમાં આજી-૧ ડેમમાં ૧૯.૫૦ ફૂટ સપાટી સાથે આશરે ૪૦૦ એમસીએફટી પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. આ ડેમની કુલ સપાટી ૨૯ ફૂટ અને સંગ્રહ ક્ષમતા આશરે ૯૧૭ એમસીએફટી છે.
બીજી તરફ, ન્યારી-૧ ડેમમાં હાલ ૧૩.૯૪ ફૂટ સપાટી સાથે આશરે ૩૪૭.૫ એમસીએફટી પાણી ઉપલબ્ધ છે. સૌની યોજના હેઠળ દરરોજ ૧૫થી ૧૬ એમસીએફટી પાણી મળવાથી આગામી દોઢથી બે મહિનામાં ડેમ ભરવાની શક્્યતા વ્યક્ત કરવામાં આવી છે. ઓછા વરસાદને કારણે રાજકોટમાં દિવાળી બાદ પાણીકાપ મુકવો પડે તેવી આશંકા હતી. જાકે, આજી અને ન્યારી બંને ડેમમાં નર્મદાના નીર પહોંચાડવાનું શરૂ થતાં શહેરની પાણીની સ્થિતિમાં રાહત મળવાની અપેક્ષા છે.મનપા દ્વારા હાલની વ્યવસ્થા મુજબ શહેરમાં દરરોજ ૨૦ મિનિટ પાણીનું વિતરણ કરવામાં આવશે. બંને ડેમમાં પાણીનો જથ્થો વધવાથી આગામી દિવસોમાં રાજકોટવાસીઓને પીવાના પાણીની અછતનો સામનો કરવો ન પડે તે માટેની વ્યવસ્થા મજબૂત બનશે.








































