ચોમાસાની વિદાય થઈ ગઈ છે અને શહેરમાં શિયાળાની શરૂઆત થઈ રહી છે તેમ છતાં અમદાવાદીઓને ડેન્ગ્યુના મચ્છરોનો ઉપદ્રવ સતાવી રહ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી)ના આરોગ્ય વિભાગના આંકડા અનુસાર, ૧ થી ૩૧ ઓક્ટોબર દરમિયાન શહેરમાં ડેન્ગ્યુના ૫૧૩ કેસ નોંધાયા હતા. આ જ સમયગાળામાં મેલેરિયાના ૬૩, ફાલ્સિપેરમ મેલેરિયાના ૧૫ અને ચિકનગુનિયાના બે કેસ પણ નોંધાયા હતા. ઓક્ટોબરમાં નોંધાયેલા ૫૧૩ અને સપ્ટેમ્બરમાં નોંધાયેલા ૭૫૬ કેસ મળીને ૩૧ ઓક્ટોબર સુધીમાં અમદાવાદમાં ડેન્ગ્યુના કુલ ૧૨૬૯ કેસ નોંધાયા છે. આ વર્ષના ડેન્ગ્યુના કેસનો આંકડો વર્ષ ૨૦૨૫ ના કુલ આંકડાને પણ વટાવી ગયો છે. વર્ષ ૨૦૨૫માં જાન્યુઆરીથી ડિસેમ્બર દરમિયાન ડેન્ગ્યુના ૧૫૯૧ કેસ નોંધાયા હતા, જ્યારે ચાલુ વર્ષના પ્રથમ ૧૦ મહિનામાં જ ૧૮૫૭ કેસ નોંધાઈ ચુક્યા છે. સપ્ટેમ્બર મહિનામાં મેલેરિયાના ૧૩૭, ફાલ્સિપેરમ મેલેરિયાના ૪૧ અને ચિકનગુનિયાના ૧૦ કેસ નોંધાયા હતા.
એએમસીના એક અધિકારીએ જણાવ્યું છે કે દિવસ દરમિયાન ગરમી અને રાત્રે ઠંડક રહેતી હોવાથી મચ્છરોના ઉપદ્રવ માટે અનુકૂળ સ્થિતિ સર્જાય છે. શહેરમાં હજુ પણ અનેક લોકો વોટર કૂલર અને એરકન્ડીશનરનો ઉપયોગ કરી રહ્યા છે, જેના કારણે તેમાં ભરાઈ રહેતું સ્થિર પાણી મચ્છરોનાંંં ઉછેરનું કારણ બની શકે છે. નાગરિકોને નિયમિત રીતે પાણી બદલવા અંગે જાગૃત કરવામાં આવી રહ્યા છે. જ્યાં બાંધકામ સાઈટ્સ અને વ્યાપારી એકમોમાં મચ્છરોના બ્રીડિંગની સ્થિતિ જાવા મળે છે, ત્યાં પાણી ભરાવાની જગ્યાઓ બંધ કરાવવામાં આવી રહી છે. એએમસીના જણાવ્યા અનુસાર ગોતા, જગતપુર, ચાંદખેડા, બોડકદેવ અને થલતેજ ઉપરાંત વ†ાલ, લાંભા અને નિકોલ જેવા વિસ્તારોમાં ડેન્ગ્યુના કેસનું પ્રમાણ વધુ છે.એએમસીના રોગચાળાના આંકડા અનુસાર ૧ જાન્યુઆરીથી ૩૧ ઓક્ટોબર, ૨૦૨૬ દરમિયાન શહેરમાં મેલેરિયાના ૫૧૬, ફાલ્સિપેરમ મેલેરિયાના ૧૦૩ અને ચિકનગુનિયાના ૧૯ કેસ નોંધાયા છે. આ જ સમયગાળામાં ઝાડા-ઊલટીના ૪૨૯૫, કમળાના ૬૫૩ અને ટાઈફોઈડના ૧૮૭૯ કેસ નોંધાયા છે. માત્ર ઓક્ટોબર મહિનામાં ઝાડા-ઊલટીના ૧૬૭, કમળાના ૪૨ અને ટાઈફોઈડના ૧૯૪ કેસ નોંધાયા હતા.







































