ગીર પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં શુક્રવારે સાંજે અચાનક વાતાવરણમાં પલટો આવતાં કમોસમી વરસાદ શરૂ થયો હતો. ગીર ગઢડા તાલુકાના જંગલ બોર્ડર નજીક આવેલા મોતીસર, નિતલી વડલી, નગડિયા અને જશાધાર થોરડી સહિતનાં ગામોમાં  ભારે પવન અને વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. શરૂઆતમાં આકાશમાં કાળાં વાદળો ઘેરાયાં હતાં અને ત્યારબાદ પવનના સુસવાટા સાથે વરસાદ શરૂ થયો હતો. કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતાં ગ્રામ્ય જનજીવન પર પણ તેની અસર જોવા મળી હતી. ગીર પંથકમાં અચાનક વરસેલા વરસાદને પગલે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ખેતરોમાં તૈયાર થયેલા પાક અને ચાલી રહેલી ખેતીની કામગીરીને નુકસાન થવાની ભીતિ ખેડૂતોને સતાવી રહી છે. જો વરસાદ લાંબો સમય ચાલુ રહે અથવા પવનની ગતિ વધે તો ખેતીના પાકને વધુ નુકસાન થવાની શક્યતા છે.