એર ચીફ માર્શલ આશુતોષ દીક્ષિતે શનિવારે ભારતીય વાયુસેનાના નવા વડા તરીકેનો કાર્યભાર સંભાળ્યો. તેમણે ૨૦ થી વધુ પ્રકારના વિમાનોમાં ૩,૫૦૦ થી વધુ કલાક ઉડાન ભરી છે અને તેઓ એક કુશળ ફાઇટર જેટ પાઇલટ છે. આશુતોષ દીક્ષિત એર ચીફ માર્શલ એપી સિંહના અનુગામી બન્યા, જેઓ ૪૩ વર્ષની પ્રતિષ્ઠિત કારકિર્દી પછી નિવૃત્ત થયા. ચાર્જ સોંપતા પહેલા, એર ચીફ માર્શલ સિંહને રેસ કોર્સ એરફોર્સ સ્ટેશન પર ઔપચારિક ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.
એર ચીફ માર્શલ દીક્ષિત, જેઓ તેમના વ્યૂહાત્મક આયોજન અને ઓપરેશન સિંદૂરમાં મુખ્ય ભૂમિકા ભજવવા માટે જાણીતા છે, તેઓ અગાઉ વાઇસ ચીફ ઓફ ધ એર સ્ટાફ તરીકે સેવા આપી ચુક્યા છે. તેમના ચાર દાયકાના કારકિર્દીમાં, એર ચીફ માર્શલ દીક્ષિતે વિવિધ કમાન્ડ, સ્ટાફ અને તાલીમ પદો પર સેવા આપી છે.
૨૯મા એર સ્ટાફ ચીફનું પદ સંભાળનારા આશુતોષ દીક્ષિત તેમના વ્યૂહાત્મક આયોજન માટે જાણીતા છે. ૯ ડિસેમ્બર, ૧૯૬૬ના રોજ જન્મેલા એર માર્શલ દીક્ષિત ૬ ડિસેમ્બર, ૧૯૮૬ના રોજ એરફોર્સના ફાઇટર સ્ટ્રીમમાં જાડાયા હતા. તેઓ નેશનલ ડિફેન્સ એકેડેમી, ડિફેન્સ સ્ટાફ સર્વિસ કોલેજ (બાંગ્લાદેશ) અને નેશનલ ડિફેન્સ કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. તેમને મિરાજ-૨૦૦૦, મિગ, કિરણ, જગુઆર,આઇએલ-૭૮, હોક અને તેજસના વિવિધ પ્રકારો સહિત વિવિધ પ્રકારના વિમાનો ઉડાડવાનો ૩,૫૦૦ કલાકથી વધુનો વ્યાપક અનુભવ છે.
લગભગ ચાર દાયકા સુધી ચાલેલી તેમની સેવા કારકિર્દી દરમિયાન, એર માર્શલ દીક્ષિત અનેક કામગીરીમાં સક્રિય રીતે સામેલ રહ્યા છે, જેમાં ઓપરેશન સફેદ સાગર, ઓપરેશન રક્ષક અને ઓપરેશન સિંદૂરનો સમાવેશ થાય છે. તેમની વિશિષ્ટ સેવાઓ માટે, તેમને ૨૦૦૬ માં વાયુ સેના મેડલ, ૨૦૧૧ માં વિશિષ્ટ સેવા મેડલ, ૨૦૨૩ માં અતિ વિશિષ્ટ સેવા મેડલ અને ૨૦૨૬ માં પરમ વિશિષ્ટ સેવા મેડલ એનાયત કરવામાં આવ્યો હતો.