વડિયા તાલુકાના સુરગપરા વિસ્તારમાં પોલીસને મળેલી બાતમીના આધારે વિદેશી દારૂ અને બિયરના જથ્થા પર દરોડો પાડવામાં આવતાં દારૂબંધીના કડક અમલ વચ્ચે દારૂની હેરાફેરીનો પર્દાફાશ થયો છે. સુરગપરા વિસ્તારમાં ભારતીય સ્ટેટ બેંકની સામેની ગલીમાં આવેલા એક ભાડાના મકાનમાં પીજીવીસીએલનાં સ્માર્ટ મીટર રાખવાની આડમાં વિદેશી દારૂ અને બિયરનો જથ્થો છુપાવવામાં આવ્યો હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું.મળેલી બાતમીના આધારે વડિયા પોલીસે સ્થળ પર દરોડો પાડ્‌યો હતો. તપાસ દરમિયાન મકાનમાં પીજીવીસીએલનાં સ્માર્ટ મીટરના જથ્થાની આડમાં છુપાવેલો વિદેશી દારૂ અને બિયરની કુલ ૪૬૭ બોટલનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે આ જથ્થો કબજે કર્યો હતો. પકડાયેલા મુદ્દામાલની અંદાજિત કિંમત રૂ. ૯૨,૬૭૪ હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ તપાસ દરમિયાન આ દારૂનો જથ્થો કિશન આહિર, હર્ષિલ આહિર અને ક્રિશ સગર નામના ત્રણ યુવાનોનો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. જોકે, પોલીસ દરોડો પાડે તે પહેલાં જ ત્રણેય યુવાનો સ્થળ પરથી ફરાર થઈ જવામાં સફળ રહ્યા હતા. આ મામલે વડિયા પોલીસે ત્રણેય શખ્સો સામે ગુનો નોંધી તેમની શોધખોળ સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનામાં સૌથી ચિંતાજનક બાબત એ છે કે દારૂના જથ્થા સાથે સંકળાયેલા હોવાનું સામે આવેલા ત્રણેય યુવાનો કોલેજમાં અભ્યાસ કરતા અને આશરે ૨૦ વર્ષની વયજૂથના હોવાનું જાણવા મળ્યું છે. યુવાનીમાં અભ્યાસ અને કારકિર્દી ઘડવાના બદલે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ તરફ વળતા યુવાનો સમાજ માટે ચિંતાનો વિષય બન્યા છે. ગુજરાતમાં દારૂબંધીનો કાયદો અમલમાં હોવા છતાં યુવા પેઢી દારૂના ગેરકાયદેસર વેપાર તરફ આકર્ષાય તે ગંભીર બાબત છે. યુવાધનને આવી પ્રવૃત્તિઓથી દૂર રાખવા માટે પરિવાર, શૈક્ષણિક સંસ્થાઓ અને સમાજે પણ જાગૃતિ કેળવવાની જરૂર છે. વડિયાના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર પી.ડી. ગોહિલના માર્ગદર્શન હેઠળ વડિયા ટાઉનના ભરતભાઈ મોરવાડિયા, દાદભાઈ બળછટિયા, મયુરભાઈ છૈયા અને સાજીદભાઈ નાડ સહિતના પોલીસ કર્મચારીઓએ આ કામગીરીમાં જોડાઈ દારૂનો જથ્થો ઝડપી પાડ્‌યો હતો. ઉલ્લેખનીય છે કે વડિયા વિસ્તારમાં લાંબા સમય બાદ વિદેશી દારૂનો આટલો મોટો જથ્થો ઝડપાયો છે. દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે વડિયા પોલીસે દારૂબંધીના કાયદાનો કડક અમલ કરાવવા માટે કાર્યવાહી તેજ કરી હોય તેવું આ દરોડાથી જણાઈ રહ્યું છે. હવે ફરાર ત્રણેય યુવાનોને ઝડપી પાડવા અને આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો તેમજ કોને પહોંચાડવાનો હતો તે દિશામાં પોલીસ તપાસ મહ¥વપૂર્ણ બની રહેશે.