રાજુલા તાલુકાના મોરંગી ગામે આવેલા એક ડુંગળીના કારખાનામાં કામ દરમિયાન ગંભીર અકસ્માત સર્જાતાં એક શ્રમિકનું મોત નીપજ્યું હતું. કારખાનાની ચીમનીનું સમારકામ કરતી વેળાએ અચાનક ચીમની તૂટી પડતાં નીચે પટકાયેલા યુવકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. બનાવ અંગે મૂળ ઉત્તરપ્રદેશના બલિયા જિલ્લાના રસડા તાલુકાના ચીલકહર ગામના અને હાલ ભાવનગરના મહુવાના નેસવડ મેગાસિટી રીજેન્સીમાં રહેતા મનોજકુમાર યાદવ (ઉ.વ.૩૨)એ જાહેર કર્યા મુજબ, અનીલકુમાર યાદવ (ઉ.વ.૩૦) મોરંગી ગામે આવેલા ડુંગળીના કારખાનાની છતના ભાગે વેલ્ડિંગ કટર વડે ચીમની કાપવાની કામગીરી કરતા હતા. આ સમયે અચાનક ચીમની ભાંગી પડતાં શ્રમિક ઊંચાઈ પરથી નીચે પટકાયો હતો. નીચે પટકાતાં તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. લોહીલુહાણ હાલતમાં તેને તાત્કાલિક સારવાર અર્થે મોટા આસરાણા ખાતે આવેલી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે, હોસ્પિટલ પહોંચતાં જ ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. બનાવ અંગે ડુંગર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એમ. એલ. ભેરડા વધુ તપાસ કરી રહ્યા છે.








































