સાવરકુંડલાના મહુવા રોડ પર આવેલા જનતાબાગ સામેના એસબીઆઈ બેન્કના એટીએમ સેન્ટરમાં એક વૃધ્ધ સાથે એટીએમ કાર્ડની અદલાબદલી કરી તેમના બેન્ક ખાતામાંથી રૂ. ૬૨,૯૦૦ ઉપાડી લેવાની ઘટના સામે આવી હતી. આ મામલે ભોગ બનનારના પુત્ર દ્વારા અજાણ્યા શખ્સ વિરુધ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. બનાવ અંગે નિકુંજગીરી રમેશગીરી ગોસ્વામી (ઉ.વ.૨૩)એ અજાણ્યા ઇસમ સામે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેના પિતા મહુવા રોડ પર જનતાબાગની સામે આવેલા સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાના એટીએમ સેન્ટરમાં નાણાં ઉપાડવા માટે ગયા હતા. તે દરમિયાન ત્યાં પહેલેથી હાજર એક અજાણ્યા ગઠિયાએ તેમને મદદ કરવાના બહાને વિશ્વાસમાં લીધા હતા. આ શખ્સે તેના પિતા પાસેથી એટીએમ કાર્ડ મેળવી, ચાલાકીપૂર્વક તેમનો પિન જાણી લીધો હતો. ત્યારબાદ ગઠિયાએ નજર ચૂકવીને ફરિયાદીના પિતાના અસલ કાર્ડની જગ્યાએ એસબીઆઈનું અન્ય ડમી એટીએમ કાર્ડ પધરાવી દીધું હતું અને અસલ કાર્ડ લઈને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. ત્યારબાદ આ અજાણ્યા શખ્સે તેના પિતાના ખાતામાંથી અલગ અલગ સ્થળોએથી કુલ રૂ. ૬૨,૯૦૦ ઉપાડી લઈ છેતરપિંડી આચરી હતી. ખાતામાંથી નાણાં ઉપડી ગયાનો સંદેશો મળતાં વૃધ્ધ તથા તેમના પરિવારજનોને પોતાની સાથે ઠગાઈ થઈ હોવાનો અહેસાસ થયો હતો. આ બનાવ અંગે ભોગ બનનારના પુત્રની ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા શખ્સ સામે છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો નોંધી, એટીએમ સેન્ટર તથા આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે આરોપીને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી હતી. સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના એએસઆઈ જે. એલ. મકવાણા વધુ તપાસ કરી રહ્યા છે.