ગાંધીનગર મહાનગરપાલિકાની સીએનસીડી શાખામાં ફરજ બજાવતા આઉટસોર્સ કર્મચારીને લાંચ લેતા એસીબીએ રંગેહાથ ઝડપી પાડ્યો છે. લાઈવ સ્ટોક ઈન્સ્પેક્ટર તરીકે કામ કરતા ૨૨ વર્ષીય જયદીપસિંહ રામસિંહ રાજપૂતે પશુપાલક પાસેથી રખડતાં ઢોરના કેસ નહીં કરવા અને દિવાળીના તહેવારના હપ્તા પેટે શરૂઆતમાં રૂ.૪૦ હજારની લાંચ માગી હતી. જાકે, ફરિયાદી લાંચ આપવા માગતા ન હોવાથી તેમણે એસીબીનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ ગોઠવાયેલા છટકામાં આરોપી રૂ.૨૨ હજાર સ્વીકારતાં ઝડપાયો હતો.
મળતી માહિતી મુજબ, ફરિયાદી પશુપાલનનો વ્યવસાય કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. આરોપી જયદીપસિંહ રાજપૂત ગાંધીનગર મનપાની સીએનસીડી શાખા હેઠળ ઢોર પકડવાની કામગીરી કરતી ટીમમાં લાઈવ સ્ટોક ઈન્સ્પેક્ટર તરીકે આઉટસોર્સ એજન્સી મારફતે નોકરી કરતો હતો. આક્ષેપ મુજબ, ફરિયાદીનાં પશુઓ પકડવામાં આવે તો તેમની સામે નિયમ મુજબ દંડાત્મક કાર્યવાહી નહીં કરવા અને આગામી દિવાળીના તહેવાર નિમિત્તે હપ્તા પેટે આરોપીએ શરૂઆતમાં રૂ.૪૦ હજારની લાંચ માગી હતી. ફરિયાદી આટલી મોટી રકમ આપવા સક્ષમ ન હોવાથી અને લાંચ આપવા ઇચ્છતા ન હોવાથી તેમણે ગાંધીનગર એસીબી પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે ગાંધીનગર એસીબીની ટીમે લાંચિયા કર્મચારીને પકડવા માટે છટકાનું આયોજન કર્યું હતું. આ માટે ગાંધીનગરના સેક્ટર-૨૮માં આવેલા ગાર્ડનની પાછળના રસ્તા પર ટ્રેપ ગોઠવવામાં આવ્યો હતો. નક્કી કરેલી યોજના મુજબ, આરોપી જયદીપસિંહે ફરિયાદી સાથે વાતચીત કર્યા બાદ રૂ.૨૨ હજારની લાંચની રકમ સ્વીકારી હતી. તે જ સમયે ત્યાં હાજર એસીબીની ટીમે તેને રંગેહાથ ઝડપી લીધો હતો. ટીમે લાંચની સંપૂર્ણ રકમ પણ રિકવર કરી લીધી હતી.
દિવાળીના તહેવાર દરમિયાન હપ્તા પેટે લાંચ માગવાના આક્ષેપ સાથે થયેલી આ કાર્યવાહીને પગલે ગાંધીનગર મહાનગરપાલિકાના વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ છે. હાલ એસીબીએ આરોપી જયદીપસિંહ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.







































