અમરેલીના ચિતલ રોડ પર આવેલા અવધ રેસિડેન્સીમાં રહેતા ૮૨ વર્ષીય વેપારી પ્રતાપરાય હીરાચંદભાઈ મહેતાનું અવસાન થતાં, તેમની અંતિમ ઈચ્છા મુજબ પરિવારજનોએ ચક્ષુદાન કરવાનો નિર્ણય લીધો હતો. મૃતકના ધર્મપત્ની સુશીલાબેન તથા પુત્રો પિયુષભાઈ, નિશાંતભાઈ અને મિતુલભાઈએ પૂર્વ નગરસેવક ડા. ચંદ્રેશ ખૂંટનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ ચક્ષુદાન ક્ષેત્રે કાર્યરત સંવેદન ગ્રુપના પ્રમુખ વિપુલ ભટ્ટીને જાણ કરવામાં આવી હતી.
આ નેત્રદાન સ્વીકારવા માટે ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી, સાવરકુંડલા બ્રાન્ચના સેક્રેટરી મેહુલભાઈ વ્યાસ તથા મહિલા રેડક્રોસના હેડ ઈલાબેન વાઢેરે સેવા આપી હતી. સંવેદન ગ્રુપના મંત્રી મેહુલ વાઝાએ જણાવ્યું હતું કે મહેતા પરિવારની સમયસરની જાગૃતિથી બે અંધજનોના જીવનમાં રોશની આવશે. સમાજમાં નેત્રદાન જાગૃતિ લાવવા માટે વિપુલ ભટ્ટી અને તેમની ટીમ સરાહનીય કામગીરી કરી રહી છે.








































