અમરેલી જિલ્લામાં ૧૬ જુલાઈ, ૨૦૨૬ના રોજ ઉજવાનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને ધ્યાનમાં રાખી કાયદો અને વ્યવસ્થા તેમજ જાહેર સુલેહ-શાંતિ જળવાઈ રહે તે હેતુથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે. ગુજરાત પોલીસ અધિનિયમ હેઠળ બહાર પાડવામાં આવેલ આ જાહેરનામું ૨૦ જુલાઈ, ૨૦૨૬ સુધી અમલમાં રહેશે. જાહેરનામા મુજબ જિલ્લામાં શસ્ત્રો, દંડા, તલવાર, ભાલા, સોટા, બંદૂક, ચપ્પુ તેમજ ઇજા પહોંચાડવામાં ઉપયોગી થઈ શકે તેવી કોઈપણ વસ્તુ સાથે ફરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત ઉશ્કેરણી જનક ભાષણો કરવા, ચિત્રો, નિશાનીઓ અથવા અન્ય પ્રચાર સામગ્રી પ્રદર્શિત કરવા કે ફેલાવવા તેમજ સ્ફોટક પદાર્થો લઈ જવા પર પણ મનાઈ ફરમાવવામાં આવી છે.જાહેરનામા અનુસાર કોઈપણ પ્રકારની સભા અથવા સરઘસ કાઢવા માટે સંબંધિત સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટની પૂર્વ મંજૂરી લેવી ફરજિયાત રહેશે. તેમજ લાઉડ સ્પીકર વગાડવા માટે તાલુકા એક્ઝિક્યુટીવ મેજિસ્ટ્રેટની પૂર્વ પરવાનગી જરૂરી રહેશે. તંત્રએ નાગરિકોને જાહેરનામાનું પાલન કરવા અપીલ કરી છે.






































