કેન્દ્ર સરકારના છેલ્લા ૧૨ વર્ષના કાર્યકાળ દરમિયાન દેશ સહિત અમરેલી જિલ્લામાં આરોગ્ય ક્ષેત્રે અભૂતપૂર્વ પરિવર્તન આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં શરૂ કરાયેલી ક્રાંતિકારી યોજનાઓ થકી છેવાડાના નાગરિકો સુધી ગુણવત્તાયુક્ત તબીબી સેવાઓ સુનિશ્ચિત થઈ છે.જિલ્લામાં ડિજિટલ હેલ્થ ક્રાંતિ લાવવાના હેતુથી ‘આયુષ્માન ભારત ડિજિટલ મિશન’ અંતર્ગત અત્યાર સુધીમાં ૧૩ લાખથી વધુ નાગરિકોની ‘છમ્ૐછ’ એકાઉન્ટ હેઠળ નોંધણી પૂર્ણ થઈ ચૂકી છે. આ ડિજિટલ હેલ્થ આઈડીના કારણે દર્દીઓના તબીબી રેકોર્ડ સુરક્ષિત બન્યા છે અને સારવાર પ્રક્રિયા વધુ ઝડપી તથા પારદર્શક થઈ છે.બીજી તરફ, ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને આર્થિક કવચ પૂરું પાડતી ‘પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના’ હેઠળ અમરેલી જિલ્લામાં ૭.૩૧ લાખથી વધુ નાગરિકોને આયુષ્માન કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું છે. આ કાર્ડ થકી જરૂરિયાતમંદોને માન્ય ખાનગી હોસ્પિટલોમાં પણ નિઃશુલ્ક અને કેશલેસ સારવારનો લાભ મળી રહ્યો છે. ગ્રામીણ વિસ્તારોમાં પ્રાથમિક સારવારને વધુ મજબૂત કરવા માટે જિલ્લામાં ૨૦૭ ‘આયુષ્માન આરોગ્ય મંદિર’ (હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર્સ) કાર્યરત કરાયા છે. જ્યાં સામાન્ય સારવાર ઉપરાંત રસીકરણ, ડાયાબિટીસ-બીપીની તપાસ અને પોષણ માર્ગદર્શન જેવી મહત્વપૂર્ણ સેવાઓ સ્થાનિક સ્તરે જ ઉપલબ્ધ બનતા નાગરિકોની સુખાકારીમાં મોટો વધારો થયો છે.










































