અમરેલી સહિત સમગ્ર ગુજરાતમાં ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (જીએસઆરટીસી)ની બસોમાં સરકારના નિયમો મુજબ હેલોજન લાઇટ લગાવવાની મંજૂરી આપવામાં આવે તેવી માંગ ઊઠી છે. એસ.ટી. બસોમાં ટમટમિયા જેવી હેડલાઇટના ઓછા પ્રકાશને કારણે ખાસ કરીને લાંબા અંતરની બસના ડ્રાઇવરોને રાત્રિના સમયે વાહન ચલાવવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ સમસ્યાના નિરાકરણ માટે સંબંધિત અધિકારીઓ દ્વારા યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવી ડ્રાઇવરોની માંગ છે.અમરેલી એસ.ટી. ડિવિઝન હેઠળ આવતા તમામ ડેપોમાંથી દોડતી અનેક બસોની હેડલાઇટ પૂરતો પ્રકાશ આપતી ન હોવાની ફરિયાદો સામે આવી રહી છે. બસની હેડલાઇટમાં લગાવવામાં આવેલા શીલ્ડ અને અન્ય ભાગોની યોગ્ય રીતે સફાઈ તથા જાળવણી થતી ન હોવાને કારણે પણ પ્રકાશ ઓછો પડે છે. પરિણામે રાત્રિના સમયે લાંબા અંતરની મુસાફરી દરમિયાન ડ્રાઇવરોને રસ્તો સ્પષ્ટ રીતે જોવામાં મુશ્કેલી પડે છે.ખાસ કરીને સામેથી આવતી ખાનગી બસો, કાર અને અન્ય વાહનોમાં તેજ પ્રકાશ આપતી સફેદ લાઇટ હોવાને કારણે એસ.ટી. બસના ડ્રાઇવરોની આંખો અંજાઈ જાય છે. આવી પરિસ્થિતિમાં રસ્તા પર બેઠેલાં રખડતાં ઢોર, અચાનક સામે આવતા વાહનો અને રસ્તા પરનાં અન્ય અવરોધો સમયસર નજરે પડતા નથી. તેના કારણે અકસ્માત સર્જાવાની શક્યતા વધી જાય છે. મુસાફરોની સુરક્ષા સાથે જોડાયેલી આ સમસ્યાનો વહેલી તકે ઉકેલ લાવવો જરૂરી બન્યો છે.બીજી તરફ, જો કોઈ બસચાલક વધુ પ્રકાશ માટે વધારાની લાઇટ લગાવે તો ડેપો મેનેજર દ્વારા દંડ ફટકારવામાં આવતો હોવાની પણ ફરિયાદો છે. પરિણામે ડ્રાઇવરોને એક તરફ ઓછા પ્રકાશમાં બસ ચલાવવાની મુશ્કેલીનો સામનો કરવો પડે છે, તો બીજી તરફ વધારાની લાઇટ લગાવવાથી આર્થિક નુકસાન થવાની ચિંતા રહે છે.ડ્રાઇવરોનું કહેવું છે કે બસોની હેડલાઇટની નિયમિત તપાસ અને યોગ્ય જાળવણી કરવામાં આવે તેમજ સરકારના નિયમો અને આરટીઓની માર્ગદર્શિકા મુજબ મંજૂર હોય તેવી હેલોજન લાઇટ લગાવવાની વ્યવસ્થા કરવામાં આવે તો રાત્રિ મુસાફરી વધુ સુરક્ષિત બની શકે છે. આથી અમરેલી એસ.ટી. ડિવિઝન સહિત રાજ્યભરની
એસ.ટી. બસોમાં પ્રકાશની સમસ્યાનું નિરાકરણ લાવી, નિયમોને અનુરૂપ હેલોજન લાઇટ લગાવવાની મંજૂરી આપવામાં આવે તેવી માંગ ઊઠી છે.જા કે કચેરીમાં બેઠા અધિકારીઓને ડ્રાઈવરોની મુશ્કેલી દેખાતી ન હોય અને અધિકારીઓ જાણે મોતનો તમાશો જાતા હોય તેવુ લાગે છે.






































