અમદાવાદ શહેરમાં નશીલા પદાર્થો સામેની કાર્યવાહી દરમિયાન બાપુનગર પોલીસે હેરોઈનના જથ્થા સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસની માહિતી અનુસાર, આરોપીઓ પાસેથી કુલ ૧૨૪.૧૧ ગ્રામ હેરોઈન,બે મોબાઇલ ફોન, રોકડ રકમ અને ટુ-વ્હીલર સહિત કુલ ૨૫,૭૪,૭૦૦નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ કાર્યવાહી શહેરમાં નશીલા પદાર્થોના વેચાણ અને હેરાફેરી સામે હાથ ધરવામાં આવેલી ઝુંબેશના ભાગરૂપે કરવામાં આવી હતી
અમદાવાદ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના મુજબ શહેરમાં નશીલા પદાર્થોની હેરાફેરી અને સપ્લાય ચેન સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ અંતર્ગત બાપુનગર પોલીસ સ્ટેશનની એનડીપીએસ સ્ક્વોડ અને સર્વેલન્સ ટીમને સક્રિય રહેવા સૂચના આપવામાં આવી હતી.
દરમિયાન પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે બાપુનગર વિસ્તારમાં લલ્લુ રત્નાના છાપરા સામે સોનેરિયા બ્લોક નજીક જાહેર રસ્તા પર દરોડો પાડવામાં આવ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન બે શખસોને ઝડપી લેવામાં આવ્યા હતા.
પોલીસે પકડેલા આરોપીઓની ઓળખ રોહિત શેરસિંહ રાજપૂત (ઉંમર ૨૮ વર્ષ) અને આનંદ સોમાભાઈ પ્રજાપતિ (ઉંમર ૩૭ વર્ષ) તરીકે થઈ છે. બંને અમદાવાદના બાપુનગર વિસ્તારમાં સોનેરિયા બ્લોક ખાતે રહેતા હોવાનું પોલીસની માહિતીમાં જણાવાયું છે.
પોલીસે તેમની પાસેથી ૧૨૪.૧૧ ગ્રામ હેરોઈન, જેની કિંમત ૨૪,૮૨,૨૦૦ દર્શાવવામાં આવી છે, તે ઉપરાંત બે મોબાઇલ ફોનની કિંમત ૧૫,૦૦૦, રોકડ રકમ અને બર્ગમેન ટુ-વ્હીલર જપ્ત કર્યું છે. તમામ મુદ્દામાલની કુલ કિંમત ૨૫,૭૪,૭૦૦ હોવાનું જણાવાયું છે.
આ કેસમાં નાનુ ઉર્ફે ભાવેશ નટવરભાઈ પટણી અને ટીનાબેન પપ્પુભાઈ પટણી સહિત અન્ય સંડોવાયેલા શખસોને પકડવાના બાકી હોવાનું પોલીસની માહિતીમાં જણાવાયું છે. તેમની શોધખોળ સહિત વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
બાપુનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નંબર ૧૧૧૯૧૦૦૭૨૬૦૪૯૮/૨૦૨૬ હેઠળ એનડીપીએસ એક્ટ ની કલમ ૮(સી) અને ૨૨(બી) મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસની માહિતી અનુસાર, પકડાયેલા બંને આરોપીઓ સામે અગાઉ પણ અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં ગુનાઓ નોંધાયેલા છે. જોકે, આ કેસમાં હેરોઈનનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો તે સહિતની વિગતો તપાસ બાદ સ્પષ્ટ થશે.