અમરેલી જિલ્લામાં વીજ સેવાઓ વધુ સુદૃઢ અને આધુનિક બનાવવા પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરવામાં આવી છે. અમરેલીના જેસિંગપુરા વિસ્તારમાં નવી પેટા વિભાગીય કચેરી અમરેલી રૂરલ-૨ તથા શહેરના ગ્રીન પાર્ક વિસ્તારમાં ત્રણ નવા ૧૧ કે.વી. વીજ ફીડરનું લોકાર્પણ ઊર્જા રાજ્યમંત્રી કૌશિક વેકરિયાના હસ્તે કરવામાં આવ્યું હતું.જેસિંગપુરા ખાતે નવી કચેરી કાર્યરત થતાં આશરે ૨૦ ગામોના ૧૫ હજારથી વધુ વીજ ગ્રાહકોને સ્થાનિક સ્તરે સેવાઓનો લાભ મળશે. વીજ પુરવઠા સંબંધિત પ્રશ્નો, ફરિયાદો અને અન્ય કામગીરી માટે હવે ગ્રાહકોને નજીકમાં જ સુવિધા ઉપલબ્ધ થશે. આ પ્રસંગે મંત્રીએ કર્મચારીઓ અને વીજ ગ્રાહકોને શુભેચ્છા પાઠવી વીજ પુરવઠામાં વિક્ષેપ ન પડે અને ફરિયાદોનો ઝડપથી નિકાલ થાય તે માટે સૂચનાઓ આપી હતી. આ ઉપરાંત વીજ લાઇનમાં ખામી સર્જાય ત્યારે ઝડપી કામગીરી થઈ શકે તે માટે બકેટ હાઇડ્રો લેડર વાહનનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.અમરેલી શહેર પેટા વિભાગીય કચેરી-૨ હેઠળ આશરે ૨૧ હજાર વીજ ગ્રાહકો આવે છે, જેમાંથી સાત હજાર ગ્રાહકોને ત્રણ નવા ફીડરનો સીધો લાભ મળશે. આ પ્રસંગે ઊર્જા વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ સાથે સંવાદ કાર્યક્રમ પણ યોજાયો હતો. મંત્રીએ જણાવ્યું હતું કે અમરેલી સહિત આસપાસના વિસ્તારના વીજ માળખાને આધુનિક બનાવવા રાજ્ય સરકાર દ્વારા આશરે રૂ. ૧,૦૦૦ કરોડનું પેકેજ મંજૂર કરવાની પ્રક્રિયા આખરી તબક્કામાં છે. આ યોજના હેઠળ ખેતીવાડી, જ્યોતિગ્રામ અને શહેર વિસ્તારમાં જૂના વીજ વાયરો બદલી આધુનિક વીજ લાઇનો તથા ભૂગર્ભ કેબલ નાખવાની કામગીરી કરવામાં આવશે.કામગીરી સમયમર્યાદામાં પૂર્ણ થાય તે માટે આગોતરું આયોજન અને સમયબધ્ધ આયોજન તૈયાર કરવા અધિકારીઓને તાકીદ કરવામાં આવી હતી. આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ વૈશાલી માંગરોળિયા, ડેની પરમાર, આશિષ અકબરી સહિતના આગેવાનો, અધિકારીઓ, કર્મચારીઓ અને સ્થાનિક રહીશો ઉપસ્થિત રહ્યા હતા.








































