અમરેલી જિલ્લામાં વરસાદ ખેંચાતાં ખેતીની સાથે પશુપાલન ક્ષેત્ર પર માઠી અસર પડી છે. ગ્રામ્ય વિસ્તારોમાં ઘાસચારાની અછત સર્જાતાં તેના ભાવમાં ૩૦થી ૪૦ ટકા સુધીનો વધારો નોંધાયો છે.
રજકો, લીલી અને સૂકી જુવાર તેમજ મકાઈ જેવા મુખ્ય ઘાસચારાના ભાવ રૂ. ૩૦૦થી ૪૦૦ સુધી પહોંચી જતાં પશુપાલકોની મુશ્કેલી વધારા પર છે.
સ્થાનિક વેપારીઓના જણાવ્યા મુજબ, પૂરતો વરસાદ ન થવાને કારણે ખેતરોમાં ઘાસચારો તૈયાર થયો નથી, જેથી પશુપાલકોને બહારથી ખરીદી કરવાની ફરજ પડી રહી છે.
દૂધાળા પશુઓના નિભાવ માટે લીલો અને સૂકો ઘાસચારો અનિવાર્ય હોવાથી મોંઘા ભાવે પણ તેની ખરીદી કરવી પડી રહી છે. જો આગામી દિવસોમાં સારો વરસાદ નહીં થાય તો ઘાસચારાની ભારે તંગી સર્જાવાની અને ભાવ વધુ ભડકે બળવાની ભીતિ સેવાઈ રહી છે.






































