અમરેલી શહેરમાં છેલ્લા કેટલાક સમયથી અનેક વિસ્તારોમાં સ્ટ્રીટ લાઈટો બંધ હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી રહી હતી. રાત્રિના સમયે ફેલાતા અંધારાને કારણે વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો. સામાન્ય રીતે ચૂંટાયેલા પ્રતિનિધિઓ કચેરીઓમાં બેસીને જ વહીવટ ચલાવતા હોય છે, પરંતુ અમરેલી નગરપાલિકાના મહિલા પ્રમુખ વૈશાલીબેન સંદીપભાઈ માંગરોળીયાએ એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. નાગરિકોની આ ગંભીર સમસ્યાના નિવારણ માટે તેઓ રાત્રિના સમયે જાતે જ મેદાનમાં ઉતરી આવ્યા હતા.તેમણે શહેરના વિવિધ વિસ્તારોની રૂબરૂ મુલાકાત લઈ ગ્રાઉન્ડ ઝીરો પર પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. અંધારાના કારણે લોકોને પડતી મુશ્કેલીઓનો રૂબરૂ ચિતાર મેળવ્યા બાદ, પ્રમુખે સ્થળ પરથી જ સંબંધિત વિભાગના અધિકારીઓને તાત્કાલિક ધોરણે જરૂરી કાર્યવાહી કરી બંધ સ્ટ્રીટ લાઈટો સત્વરે શરૂ કરાવવા કડક સૂચનાઓ આપી હતી. આ રાત્રિ નિરીક્ષણ દરમિયાન પાલિકા પ્રમુખની સાથે ઉપપ્રમુખ વિરલભાઈ પોપટ, કારોબારી ચેરમેન મૌલિકભાઈ ઉપાધ્યાય સહિતના અન્ય હોદ્દેદારો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મહિલા પ્રમુખ દ્વારા હાથ ધરવામાં આવેલો આ સરાહનીય પ્રયાસ અને તેમની કર્મઠ કાર્યશૈલીને કારણે સમગ્ર શહેરમાં તેમની ભારે પ્રશંસા થઈ રહી છે.






































