સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ, સુરત દ્વારા જમનાબા વિદ્યાર્થી ભવન ખાતે “વિશ્વાસ એ જીવનની તાકાત છે” વિષય પર ૧૨૭મા થર્સ-ડે થોટ્સ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જાણીતા ઉદ્યોગપતિ ડો. પરેશભાઈ સવાણી અને લેખક ડો. જય વશીએ ઉપસ્થિત લોકોને વિશ્વાસનું મહત્વ સમજાવ્યું. ડો. પરેશભાઈ સવાણીએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે, વિશ્વાસ એ સંબંધોનો શ્વાસ અને જીવનનો આધાર છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે, સફળતા પાછળનું સૌથી મોટું રહસ્ય પોતાની જાત પરનો વિશ્વાસ છે. તેમણે ઉમેર્યું કે, વિશ્વાસ ખરીદી શકાતો નથી, પરંતુ નાના નાના પ્રસંગોમાં સારા વર્તનથી તે ધીમે ધીમે કેળવાય છે. તેમણે ઉદાહરણ આપતા કહ્યું કે, સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના ટ્રસ્ટીઓએ વિશ્વાસ મૂક્યો છે, જેના કારણે કાનજીભાઈ ભાલાળા અને તેમની ટીમના પ્રયત્નોથી આજે હજારો વિદ્યાર્થીઓને ઉત્તમ શિક્ષણ અને જીવન મળી રહ્યું છે. ડો. જય વશીએ વિશ્વાસને જીવન જીવવા માટે શ્વાસ પછીનું સૌથી મહત્વનું તત્વ ગણાવ્યું હતું.






































