રામ મંદિરના પ્રસાદ ચોરીના કેસ અને વહીવટી વ્યવસ્થા વચ્ચે, શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે માહિતી આપી હતી કે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની એક મહત્વપૂર્ણ બેઠક ૨૨ જુલાઈના રોજ યોજાવાની છે. ટ્રસ્ટ આ બેઠકમાં મુખ્ય કાર્યકારી અધિકારીની નિમણૂક અને વિવિધ સમિતિઓ અને પેટા સમિતિઓના ભવિષ્ય અંગે અંતિમ નિર્ણય લેશે.
નૃપેન્દ્ર મિશ્રાએ સ્પષ્ટતા કરી હતી કે જા કોઈ સીઇઓની નિમણૂક કરવામાં આવે છે, તો તે ટ્રસ્ટની દેખરેખ હેઠળ પોતાના સ્ટાફની નિમણૂક કરશે, અને સમગ્ર વહીવટી વ્યવસ્થા તે મુજબ સંચાલિત થશે. તેમણે એ પણ સ્પષ્ટતા કરી હતી કે ટ્રસ્ટના હોદ્દેદાર સભ્યોને મતદાનનો અધિકાર નથી.
ભક્તોની સંખ્યામાં ઘટાડો થવાની અફવાઓને સંપૂર્ણપણે ફગાવી દેતા, નૃપેન્દ્ર મિશ્રાએ જણાવ્યું હતું કે રામ મંદિરમાં ભક્તોની કોઈ અછત નથી. અયોધ્યામાં દર્શન માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ નિયમિતપણે આવી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે ભક્તો સાથે સતત સંપર્ક જાળવવામાં આવી રહ્યો છે અને આ સમયગાળા દરમિયાન કોઈ ફરિયાદ કે અસંતોષ નોંધાયો નથી.
ત્રણ દિવસીય સમીક્ષા બેઠકના સમાપન પર, નૃપેન્દ્ર મિશ્રાએ મંદિર નિર્માણ અને પ્રસ્તાવિત સંગ્રહાલય સંબંધિત અન્ય મહત્વપૂર્ણ નિર્ણયો વિશે પણ માહિતી આપી. તેમણે જણાવ્યું કે રામ મંદિરનો કુલ ખર્ચ ૧,૬૦૦ થી ૧,૮૦૦ કરોડ રૂપિયાની વચ્ચે હોવાનો અંદાજ છે. વધુમાં, પ્રસ્તાવિત રામ કથા સંગ્રહાલયનો ખર્ચ આશરે ૧૦૦ કરોડ રૂપિયા થવાની ધારણા છે. આ સંગ્રહાલયમાં તમામ ગેલેરીઓ માટે સક્રીપ્ટને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે, જેમાં ભગવાન શ્રી રામના વનવાસ સાથે સંકળાયેલી દેશની મુખ્ય નદીઓના વિશેષ પ્રદર્શનો હશે. પ્રદર્શન સરયુ નદીથી શરૂ થશે અને ગુપ્તાર ઘાટ પર સમાપ્ત થશે.










































