રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકા નજીક આવેલા પ્રખ્યાત યાત્રાધામ વિસ્તારમાં પોન્ઝી સ્કિમનો ભાંડાફોડ થયો છે. લોભામણી બચત યોજનાઓ અને ઈનામી સ્કીમના નામે લોકો સાથે છેતરપિંડી કરતી ટોળકી સામે પોલીસએ કડક કાર્યવાહી કરી છે અને ૬ આરોપીઓને ઝડપી પાડ્યા છે.
આ આરોપીઓએ ‘જય જલારામ માર્કેટિંગ’ સહિતના વિવિધ નામોથી રોકાણ યોજનાઓ ચલાવી હતી. તેઓ લોકોએ ટૂંકા સમયમાં વધુ નફો અને આકર્ષક ઈનામો આપવાની લાલચ આપી વિશ્વાસમાં લીધા હતા. અનેક નિર્દોષ લોકોએ આ લાલચમાં આવીને પોતાની મહેનતની કમાણી રોકાણ તરીકે આપી દીધી હતી. પરંતુ, જ્યારે રોકાણ પરત આપવાનો સમય આવ્યો ત્યારે આરોપીઓ બહાના બનાવતા રહ્યા. તપાસમાં સામે આવ્યું છે કે લગભગ રૂ. ૭.૦૫ લાખ જેટલી રકમ તેઓએ પરત આપવાને બદલે પોતાના વ્યક્તિગત ખર્ચમાં વાપરી નાખી હતી.
છેતરપિંડીનો ભોગ બનેલા લોકોએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા, વીરપુર પોલીસ અને રાજકોટ ગ્રામ્ય એલસીબીની સંયુક્ત ટીમે કાર્યવાહી શરૂ કરી. ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી પોલીસે આ પોન્ઝી સ્કિમના ૬ મુખ્ય આરોપીઓને ઝડપી પાડ્યા છે. આરોપીઓ પાસેથી રોકાણકારોની માહિતી અને સંબંધિત દસ્તાવેજા પણ કબજે કરવામાં આવ્યા છે.હાલ પોલીસ વધુ તપાસ કરી રહી છે અને આ કૌભાંડમાં વધુ લોકો સંડોવાયેલા છે કે નહીં તેમજ છેતરપિંડીનો આંકડો વધે તેવી શક્્યતા પણ નકારી શકાતી નથી.








































