ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના વડોદરા ઝાલા ગામે ભારે વરસાદના કારણે મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થતાં વાહનવ્યવહાર ખોરવાયો છે. ગામના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા હતા. પરિસ્થિતિની ગંભીરતા જોઈને સુત્રાપાડાના મામલતદાર સહિતનું મહેસૂલ તંત્ર અને ગ્રામ પંચાયતની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી.ઘરોમાં પાણી ઘૂસે તે પહેલાં જ તંત્રે ૬ થી ૭ જેસીબી મશીનોની મદદથી વરસાદી પાણીના ઝડપી નિકાલ માટેની કામગીરી હાથ ધરી છે. તંત્રની આ સમયસરની કામગીરીથી સંભવિત મોટું નુકસાન ટળી ગયું છે.






































