ધોરાજી શહેરમાં રોડ-રસ્તા અને પાણીની સમસ્યા જાણે નાગરિકો માટે કાયમી અભિશાપ બની ગઈ છે. તાજેતરમાં જ ગેલેક્સી ચોકથી પોસ્ટ ઓફિસ ચોક સુધીના માર્ગની નબળી કામગીરી ઉઘાડી પડ્‌યા બાદ, હવે સરદાર ચોકથી બસ સ્ટેશન તરફ જતો સિમેન્ટ રોડ ફરીથી ખોદવાનું શરૂ કરવામાં આવતા જનતામાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. નવા બનેલા રસ્તાઓ લોકાર્પણ પૂર્વે જ તોડવાની નોબત આવતા તંત્રના આયોજન સામે અનેક સવાલો ઉઠ્‌યા છે. શહેરમાં ઉપલેટા રોડ, જમનાવડ રોડ અને જેતપુર રોડ જેવા મુખ્ય માર્ગો પર કામગીરી અત્યંત મંદ ગતિએ ચાલી રહી છે. ધૂળની ડમરીઓ અને ખોદાયેલા રસ્તાઓને કારણે વાહનચાલકો અને રાહદારીઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે. એક તરફ પીવાના પાણી માટે ૧૫-૧૫ દિવસની રાહ જોવી પડે છે, બીજી તરફ નબળા કામોને કારણે રસ્તાઓનું વારંવાર ખોદકામ પ્રજાની ધીરજની કસોટી કરી રહ્યું છે. સ્થાનિકોની માંગ છે કે અધૂરા કામો સત્વરે પૂર્ણ કરી ગુણવત્તાયુક્ત રસ્તા બનાવવામાં આવે.