સરકારે કહ્યું હતું કે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ છતાં દેશમાં ખાતરની કોઈ અછત નથી. સરકારે સ્પષ્ટતા કરી હતી કે યુરિયા અને અન્ય પોષક તત્વોનો સ્ટોક “પર્યાપ્ત કરતાં વધુ” છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે ભારતના આંતરરાસ્ટ્રીય ભાગીદારોએ પણ ખાતરોના અવિરત પુરવઠાની ખાતરી આપી છે. પશ્ચિમ એશિયા કટોકટી સંબંધિત વિકાસ અંગે આંતર-મંત્રીમંડળના મીડિયા બ્રીફિંગમાં બોલતા, જયસ્વાલે કહ્યું, “હું તમને કહી શકું છું કે ભારતમાં હાલમાં પૂરતા પ્રમાણમાં ખાતરનો ભંડાર છે, ખાસ કરીને આગામી ખરીફ સીઝન માટે. આપણો યુરિયાનો ભંડાર ગયા વર્ષના સમાન સમયગાળા કરતા વધારે છે.”
રણધીર જયસ્વાલે ડેટા ટાંકીને જણાવ્યું હતું કે ભારતનો ડીએપી (ડાયમોનિયમ ફોસ્ફેટ)નો ભંડાર ૨૦૨૫ ની તુલનામાં બમણો થયો છે, જ્યારે એનપીએ (નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ)ની સ્થિતિ પણ ગયા વર્ષ કરતા નોંધપાત્ર રીતે સારી છે. તેમણે વિશ્લેષકોને અધૂરી માહિતીના આધારે વાસ્તવિક પરિસ્થિતિ જાવા અને ગભરાટ ન ફેલાવવા વિનંતી કરી.
પ્રવક્તાએ જણાવ્યું હતું કે વર્તમાન સ્થાનિક ઉત્પાદન સામાન્ય વપરાશ કરતાં વધી રહ્યું છે, કારણ કે રવી સીઝન તેના અંતની નજીક છે. ઉપલબ્ધ ગેસ સાથે ઉત્પાદન મહત્તમ કરવા માટે સરકારે વાર્ષિક પ્લાન્ટ જાળવણી સમયપત્રક પહેલાં પૂર્ણ કરી છે. તેમણે ઉમેર્યું કે ખાતર વિભાગે સમયસર વૈશ્વિક ટેન્ડર બહાર પાડ્યા હતા, જેને સારો પ્રતિસાદ મળ્યો છે અને માર્ચના અંત સુધીમાં મોટી માત્રામાં સપ્લાય થવાની અપેક્ષા છે.
પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ જણાવ્યું હતું કે દેશમાં વાણિજયક એલપીજી સિલિન્ડર ડિલિવરી શરૂ થઈ ગઈ છે. તેમણે જણાવ્યું હતું કે દેશભરના ૨૯ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં વાણિજયક એલપીજી સિલિન્ડર ડિલિવરી શરૂ થઈ ગઈ છે અને ગ્રાહકો તે મેળવી રહ્યા છે. તેમણે ઉમેર્યું હતું કે હાલમાં, લગભગ ૮૪ ટકા બુકિંગ ઓનલાઈન થઈ રહ્યા છે, જેને લગભગ ૧૦૦ ટકા સુધી વધારવાના પ્રયાસો ચાલી રહ્યા છે.