જુનાગઢ જિલ્લાના કેશોદ શહેરની સોની બજારમાં સેન્ટ્રલ જીએસટી વિભાગ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીથી ભારે ચકચાર મચી ગઈ હતી. સેન્ટ્રલ જીએસટીની ટીમે અચાનક દરોડા પાડતાં અનેક વેપારીઓએ ભયના માહોલમાં પોતાની દુકાનો બંધ કરી દીધી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ કેશોદના જાણીતા એ.જે. જ્વેલર્સ તથા ધકાણ જ્વેલર્સ ખાતે સેન્ટ્રલ જીએસટી વિભાગની ટીમે તપાસ હાથ ધરી હતી. બંને જ્વેલર્સના શોરૂમ તેમજ સોપમાં ટીમ દ્વારા મોડી સાંજ સુધી ચકાસણી ચાલી હતી. તપાસ દરમિયાન ખાતા-વહી, બિલિંગ, સ્ટોક રજિસ્ટર તેમજ અન્ય મહત્વપૂર્ણ દસ્તાવેજાની ઝીણવટપૂર્વક તપાસ કરવામાં આવી હતી. સેન્ટ્રલ જીએસટી વિભાગ દ્વારા આ કાર્યવાહી શા માટે કરવામાં આવી છે અને તપાસ બાદ શું પરિણામ આવશે તે અંગે હાલ કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી. બંને જ્વેલર્સ ખાતે ચાલી રહેલી તપાસમાં આગળ શું કાર્યવાહી થશે તેની તરફ વેપારીઓ તેમજ શહેરવાસીઓની નજર મંડાયેલી છે.










































