ચાવંડ નજીક એસ.ટી.બસ-બાઈક વચ્ચે અકસ્માતમાં એકનું મોત થતા
ચાવંડથી લાઠી જઈ રહેલા માર્ગ પર એસ.ટી. બસ અને બાઈક વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં બાઈક સવારનું ઘટનાસ્થળે જ અવસાન થયું છે. આ અકસ્માત સમયે અમરેલીથી ભાવનગર તરફ જઈ રહેલા કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી અને મંત્રી કૌશિકભાઈ વેકરીયાએ તાત્કાલિક પોતાનો કાફલો રોકીને ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. મૃતકનો મોબાઈલ ફોન બંધ હોવાથી શરૂઆતમાં તેમની ઓળખ કરવી અશક્ય બની હતી પરંતુ મંત્રીઓએ જહેમત ઉઠાવી વાહન નંબર અને આધાર કાર્ડની તપાસ કરાવી હતી.
તપાસના અંતે મૃતક બોટાદ વિસ્તારના હોવાનું જાણવા મળતા મંત્રીઓએ તાત્કાલિક અમરેલી અને બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષકનો સંપર્ક કરીને પરિવારને જાણ કરવા સૂચના આપી હતી. મંત્રીઓએ માનવીય સંવેદનાનો ઉત્તમ દાખલો બેસાડતા સ્થાનિક તંત્રને મૃતકના પરિવારજનોને લાઠી લાવવા માટે તમામ વ્યવસ્થા કરવા અને પોસ્ટમોર્ટમની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ થાય તે માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. રાજયમંત્રી કૌશિક વેકરીયા અને જીતુભાઈ વાઘાણીએ કરેલા માનવતાવાદી અભિગમની સરાહના થઈ રહી છે.